તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
અમદાવાદના એરપોર્ટ નજીક કાર્ગો બિલ્ડિંગ પાછળ ચાલતું ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું : ત્રણ શખ્સોની ધરપકડ : નિર્જન વિસ્તારનો લાભ લઈને પસાર થતા ટેન્કરો અને વાહનોમાંથી ડીઝલ ચોરી કરતા
હાઇ પ્રોફાઇલ વિસ્તારમાં દિવસ-રાત ચોરીનો ખેલ; પોલીસે છાપો મારીને ચોરીનું સાધનો અને ડીઝલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા, વધુ તપાસ હાથ ધરાઈ

અમદાવાદ તા.૨૦ : શહેરના એરપોર્ટ નજીક આવેલા કાર્ગો બિલ્ડિંગની પાછળના વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા ડીઝલ ચોરીના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ હાઇ પ્રોફાઇલ વિસ્તારમાં સંગઠિત રીતે ડીઝલની ચોરી કરવામાં આવી રહી હતી, જેને લઈને પોલીસે છાપો મારીને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ આરોપીઓ કાર્ગો બિલ્ડિંગ પાછળના નિર્જન વિસ્તારનો લાભ લઈને પસાર થતા ટેન્કરો અને વાહનોમાંથી ડીઝલ ચોરી કરતા હતા. ચોરી કરવા માટે ખાસ પ્રકારના પંપ અને પાઇપલાઇન સહિતના સાધનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચોરાયેલું ડીઝલ ત્યાંથી ખાનગી વાહનોમાં ભરીને ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતું હોવાની પ્રાથમિક શંકા છે.
પોલીસને બાતમી મળતા જ એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે કાર્ગો બિલ્ડિંગ પાછળના વિસ્તારમાં રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે ચોરીના સાધનો, મોટા પ્રમાણમાં સંગ્રહિત કરેલું ડીઝલ અને ચોરી માટે ઉપયોગમાં લેવાતા વાહનો કબજે કર્યા છે. ઘટનાસ્થળેથી ત્રણ શખ્સોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન આ કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી હોવાનું ખુલવાની શક્યતા છે. પોલીસે આરોપીઓ સામે ચોરી અને ગેરકાયદેસર ડીઝલ સંગ્રહની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એરપોર્ટ જેવા સુરક્ષિત વિસ્તાર નજીક આ રીતે ચોરી થતી હોવાના મામલાથી પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે.
હાલ પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સ વધારી દીધું છે અને આવા કૃત્યો અટકાવવા માટે પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
