તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
સાબરકાંઠામાં ૫ કરોડનું ડિજિટલ કૌભાંડ પકડાયું: ૧૪ ભોળા નાગરિકોના નામે ખોલાવ્યા 'મ્યુલ એકાઉન્ટ', દેશભરમાં ૯૩ ગુના આચરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ!
પૈસાની લાલચ આપી બેંક ખાતા ભાડે રાખતી રાજસ્થાનની શાતિર ટોળકી સાથે તલોદ-પ્રાંતિજના સ્થાનિક યુવકો ઝડપાયા; સાયબર પોલીસે આખું નેટવર્ક વેરવિખેર કર્યું

હિંમતનગર : ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડી આચરતા સાયબર માફિયાઓ સામે સાબરકાંઠા પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને સપાટો બોલાવતી કાનૂની કાર્યવાહી કરી છે. જિલ્લાના તલોદ અને પ્રાંતિજ પંથકમાં ચાલી રહેલા રૂ. ૫ કરોડના સનસનાટીભર્યા ઓનલાઈન નાણાકીય કૌભાંડનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા હોવાથી પોલીસની વિવિધ ટીમો દોડતી થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક એટલું વ્યાપક હતું કે તેના દ્વારા દેશભરમાં અલગ-અલગ જગ્યાએ અંદાજે ૯૩ જેટલી સાયબર ઠગાઈની ગંભીર ફરિયાદો ઓનલાઈન નોંધાઈ ચૂકી છે.
શું છે મ્યુલ એકાઉન્ટ (Mule Account) નો આખો ખેલ?
સાયબર પોલીસના જણાવ્યા અનુસાર, ઠગોની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. આ ટોળકી ગ્રામ્ય કે મધ્યમવર્ગીય વિસ્તારના ભોળા લોકોને થોડા રૂપિયા કમાઈ આપવાની કે કમિશન આપવાની લાલચ આપતી હતી. આ લાલચમાં ફસાવીને આરોપીઓએ સાબરકાંઠાના ૧૪ જેટલા સ્થાનિક લોકોના નામે બેંકોમાં ખાતા ખોલાવી દીધા હતા. ટેકનિકલ ભાષામાં આને 'મ્યુલ એકાઉન્ટ' (ભાડે રાખેલા ખાતા) કહેવામાં આવે છે. સામાન્ય નાગરિકોના આ ખાતાના એટીએમ કાર્ડ, ચેકબુક અને ઓનલાઈન બેંકિંગના આઈડી-પાસવર્ડ સાયબર ગુનેગારો પોતાની પાસે રાખતા હતા અને દેશભરમાંથી ઠગાઈ કરેલા કરોડો રૂપિયા આ જ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેતા હતા.
રાજસ્થાનના મુખ્ય સૂત્રધારો અને સ્થાનિક યુવકો જેલભેગા
પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે મોટી સફળતા મળી છે. આ કેસમાં પોલીસે રાજસ્થાનના બે મુખ્ય શાતિર ગઠિયાઓની ધરપકડ કરી લીધી છે, જેઓ આ આખા નેટવર્કનું સંચાલન કરતા હતા. આ ઉપરાંત, તેમને સ્થાનિક સ્તરે ભોળા ગ્રાહકો શોધી આપવામાં અને બેંક એકાઉન્ટ સેટઅપ કરવામાં મદદ કરનારા તલોદના બે સ્થાનિક યુવકોને પણ દબોચી લેવાયા છે.
પોલીસે ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન, સિમકાર્ડ અને કથિત બેંક દસ્તાવેજો જપ્ત કરીને વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ કેસ બાદ પોલીસે સામાન્ય જનતાને અપીલ કરી છે કે, કોઈ પણ અજાણ્યા વ્યક્તિને કમિશન કે ભાડાની લાલચમાં આવીને પોતાના બેંક ખાતાની વિગતો, ઓટીપી કે એટીએમ કાર્ડ ક્યારેય ન આપવા, નહિતર અજાણતા જ તમે પણ જેલના સળિયા પાછળ ધકેલાઈ શકો છો.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
