તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
કાલબી–શંભુનગર માર્ગની બિસ્માર હાલત, પેચ વર્કના નામે વિકાસ કે માત્ર સરકારી નાણાંનો વેડફાટ
આ માર્ગની દુર્દશાને કારણે કાલબી, કાકરપાડા, આંબાવાડી, કેવડી તેમજ શંભુનગર સહિત આસપાસનાં અનેક ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કાલબી ગામથી શંભુનગરને જોડતા માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે. આ માર્ગ પર પેચ વર્ક કરવામાં આવ્યું હોવાનું જણાવાય છે, પરંતુ કામગીરીની ગુણવત્તા અને વાસ્તવિક અમલીકરણ સામે સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. રસ્તાની હાલત જોતા ખરેખર કામ થયું છે કે પછી માત્ર કાગળ પર જ વિકાસ દર્શાવવામાં આવ્યો છે? તેવા સવાલો હાલ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી આ માર્ગની દુર્દશાને કારણે કાલબી, કાકરપાડા, આંબાવાડી, કેવડી તેમજ શંભુનગર સહિત આસપાસનાં અનેક ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બિસ્માર રસ્તાને કારણે વાહનચાલકોને જીવના જોખમે અવરજવર કરવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ખેડૂતો અને બીમાર લોકોને અવરજવર દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ સરકાર વિકાસનાં નામે વિવિધ કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે અને ગામડાંના વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની આવી દયનીય સ્થિતિ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
સૌથી મોટો સવાલ એ છે કે જો આ માર્ગ પર પેચ વર્ક કરવામાં આવ્યું હોય તો તેની ગુણવત્તાની તપાસ કોણે કરી? કામ પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ થયો? કયા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી? અને જવાબદાર અધિકારીઓએ સ્થળ તપાસ કરીને કામની ગુણવત્તા ચકાસી હતી કે કેમ?હવે સવાલ સંબંધિત માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ તથા સ્થાનિક વહીવટી તંત્ર સામે છે કે આ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવશે કે પછી ગ્રામજનોને આવી જ હાલાકીમાં જીવવા મજબૂર કરવામાં આવશે?
વિકાસના દાવાઓ વચ્ચે ગ્રામ્ય રસ્તાઓની આ દયનીય સ્થિતિ ક્યારે સુધરશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? હવે જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી રહી છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
