તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 15th July 2026
કપાસના પાકને ચૂસિયા જીવાત અને ઇયળોથી બચાવવા ખેડૂતો માટે ખેતી નિયામકની કચેરીની ખાસ માર્ગદર્શિકા: વાવણી બાદ સંકલિત વ્યવસ્થાપનના આ 10 વૈજ્ઞાનિક પગલાં અપનાવવાથી થશે સારું ઉત્પાદન અને ખર્ચમાં બચત
ફેરોમોન ટ્રેપ, જૈવિક નિયંત્રણ, લીમડા આધારિત દવા અને સમયસર રાસાયણિક છંટકાવથી પાકનું રક્ષણ: ખેડૂતોએ રાસાયણિક દવાનો ઉપયોગ છેલ્લા વિકલ્પ તરીકે જ કરવો

ગાંધીનગર, તા. 15 : રાજ્યમાં કપાસનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોને પાકમાં લાગતી ચૂસિયા પ્રકારની જીવાત અને ઇયળોથી બચાવવા રાજ્ય સરકારની ખેતી નિયામકની કચેરી દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. ખેડૂતોને સારું ઉત્પાદન અને વધુ આવક મળે તે હેતુથી વાવણી બાદ સંકલિત જીવાત વ્યવસ્થાપન - IPM અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ખેતી નિયામકની કચેરીના જણાવ્યા મુજબ, ખેડૂતોએ શરૂઆતથી જ જીવાતની મોજણી અને જૈવિક નિયંત્રણને પ્રાથમિકતા આપવી જોઈએ. રાસાયણિક દવાનો ઉપયોગ ફક્ત જરૂર પડે ત્યારે અને ભલામણ મુજબ જ કરવો.
કપાસમાં જીવાત વ્યવસ્થાપન માટે ખેડૂતોએ પાળવાના 10 મહત્વના પગલાં
ખેતરમાં હેક્ટરે 5 આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. આનાથી પાન ખાનાર ઇયળ અને ગુલાબી ઇયળના ફૂદાની શરૂઆતમાં જાણ થશે. ખેતરમાં વીજળી હોય તો પ્રકાશ પિંજરથી મોટા પાયે ફૂદીઓનો નાશ કરી શકાય. પાન ખાનાર ઇયળ માટે NPV - ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ 250 LE એકમને જરૂરી પાણીમાં ઓગાળીને હેક્ટરમાં છંટકાવ કરવાથી ઇયળોમાં રોગ ફેલાઈને સારું નિયંત્રણ મળે છે.
સફેદમાખી, તડતડિયા, મોલો, થ્રીપ્સ કે પાન ખાનાર ઇયળ દેખાય તો તરત ઝેરી દવાનો છંટકાવ ન કરો. પહેલા લીમડાનું તેલ 20 મિ.લિ.-1 EC થી 40 મિ.લિ.-0.15 EC, લીંબોળીનો 5% અર્ક 500 ગ્રામ અથવા BT બેક્ટેરિયાનો પાવડર 10-15 ગ્રામ/10 લિ. પાણીનો છંટકાવ કરો. ઓક્ટોબરના અંતથી કપાસની છેલ્લી વીણી સુધી હેક્ટરે 40 પ્રમાણે ગુલાબી ઇયળના ફૂદી માટેના ફેરોમોન ટ્રેપ ફરજિયાત ગોઠવવા. નવેમ્બરના પહેલા અઠવાડિયાથી હેક્ટરે 1.5 લાખ ટ્રાઈકોગામા ભમરી અઠવાડિયાના ગાળે 4-5 વખત છોડવી. ડિસેમ્બરના પહેલા-બીજા અઠવાડિયામાં હેક્ટરે 10 હજાર લીલી પોપટીની ઇયળ છોડવી. ખેતરમાં મકાઈની છાંટ નાખવાથી જૈવિક નિયંત્રકોની સંખ્યામાં વધારો થાય છે.
જ્યારે ઇયળ ક્ષમ્ય માત્રા વટાવે ત્યારે જ ક્વિનાલફોસ 25 EC 20 મિ.લિ., એમામેક્ટીન બેન્ઝોએટ 5 WG 2 ગ્રામ, સ્પીનોસાડ 45 SC 3 મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 18.5 SC 3 મિ.લિ. પૈકી કોઈ એક દવા 10 લિ. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. દરેક વખતે દવા બદલવી જરૂરી છે. સફેદમાખી, થ્રીપ્સના નિયંત્રણ માટે થાયાક્લોપ્રિડ 48 SC 5 મિ.લિ., ફ્લોનીકામાઈડ 50 WG 3 ગ્રામ, ડાયફેન્થ્યુરોન 50 WP 10 ગ્રામ અથવા ફિપ્રોનીલ 5 SC 20 મિ.લિ. પૈકી કોઈ એક દવાનો 10 લિ. પાણીમાં છંટકાવ કરવો. ઉપદ્રવિત ખેતરમાં વપરાયેલા હળ, ટ્રેક્ટર જેવા ઓજારો બીજા ખેતરમાં લઈ જતા પહેલા પાણીના ફુવારા અથવા કીટનાશકથી સારી રીતે સાફ કરવા. મિલીબગ પર એનાસિયસ ભમરી 40 થી 70 ટકા પરજીવીકરણ કરે છે. ક્રિપ્ટોલેમસ અને બ્રુમસ જેવા પરભક્ષી ઢાલીયા પણ મિલીબગ ખાય છે. આવા કુદરતી નિયંત્રકો હોય ત્યારે ઝેરી દવાનો છંટકાવ ટાળવો. હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે વર્ટીસીલીયમ લેકાની અથવા બીવેરિયા બેસિયાના 40 ગ્રામ/10 લિ. પાણીમાં મિશ્ર કરી સાંજના સમયે છંટકાવ કરવો.
ખેતી નિયામકની કચેરીએ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ કીટનાશકનો ઉપયોગ કરતા પહેલા દવાના લેબલ પર આપેલી સૂચનાઓ અને માત્રાનું ચુસ્તપણે પાલન કરવું.
વધુ માર્ગદર્શન માટે ખેડૂતો તેમના નજીકના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામકનો સંપર્ક કરી શકે છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
