News of Saturday, 25th July 2026
ખેડામાં આફતનો વરસાદ! વાંટડી ગામની ઇન્દિરા નગરીમાં 3 ફૂટ સુધી પાણી ભરાતાં ભારે હાલાકી, તંત્રએ 60 લોકોનું રેસ્ક્યુ કરી જાનમાલ બચાવ્યો
20 જેટલા મકાનોમાં પૂરના પાણી ઘૂસતાં લોકો મુશ્કેલીમાં મુકાયા, પ્રાથમિક શાળામાં આશ્રય આપી ભોજન અને મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવી

ખેડા : ખેડા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ખેડા તાલુકાના વાંટડી ગામમાં આવેલા ઇન્દિરા નગરી વિસ્તારમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. 15 થી 20 જેટલા મકાનોમાં અચાનક 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતા સમજીને ખેડા તાલુકાનું વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને સ્થાનિક તલાટી સહિતનો અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાત્રિના સમયે પાણીનું સ્તર વધુ વધવાની અને મોટી દુર્ઘટના સર્જાવાની આશંકાને જોતાં તંત્રએ વિલંબ કર્યા વગર રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.
તંત્ર દ્વારા ઇન્દિરા નગરીમાંથી આશરે 60 જેટલા લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સલામત સ્થળે એટલે કે વાંટડી પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. આ સ્થળાંતરિત થયેલા તમામ લોકો માટે શાળા ખાતે જ રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા સાથે તબીબી તપાસ માટે મેડિકલ કેમ્પની સેવાઓ પણ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સાથે સતત સંપર્ક જાળવીને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી વિસ્તારમાંથી પાણી સંપૂર્ણપણે ઓસરી ન જાય ત્યાં સુધી આ પરિવારોને શાળામાં જ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સાથે જ તાલુકાના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
