તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
સુરત શહેરમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે જિલ્લા કલેક્ટર તેજસ પરમારનો મોટો નિર્ણય : પૂર રાહત સહાય માટે તાત્કાલિક સર્વેની કામગીરી તેજ કરવા વધુ ૬૫ ટીમો મેદાનમાં ઉતારાઈ
રાજ્ય વેરા વિભાગના ૧૩ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ૬૫ નવી ટીમોની રચના : સૌથી વધુ અસરગ્રસ્ત ઉધના અને મજુરા વિસ્તારમાં કુલ ૩૩૮ અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી સોંપાઈ સર્વેની જવાબદારી

સુરત:સુરત શહેરમાં થયેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં માનવ મૃત્યુ, ઇજા તેમજ રહેણાંક મકાનો અને ઘરવખરી સહિતની સ્થાવર-જંગમ મિલકતોને થયેલા નુકસાનનો ઝડપથી સર્વે પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવ્યા છે. પાત્ર લાભાર્થીઓને કેશડોલ્સ, ઘરવખરી સહિતની રાહત સહાય સમયસર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેની કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે.
રાજ્ય વેરા વિભાગના કર્મચારીઓ સહિત નવી ટીમો એક્શનમાં:આ ઉમદા હેતુસર રાજ્ય વેરા વિભાગના ૧૩ અધિકારીઓ તથા તેમના સ્ટાફને જોડીને કુલ ૬૫ નવી વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોમાં સમાવિષ્ટ ૩૩૮ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફીલ્ડમાં જઈ અસરગ્રસ્ત વિસ્તારોનો ઝીણવટભર્યો સર્વે શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ તમામ ટીમોને સૌથી વધુ અસરગ્રસ્ત એવા શહેરના ઉધના અને મજુરા વિસ્તારના સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જરૂરિયાત મુજબ આગામી દિવસોમાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ફાળવણી પણ કરવામાં આવશે.
અગાઉથી કાર્યરત ૨૫૦ કર્મચારીઓ સાથે હવે રાહત પ્રક્રિયા વધુ ઝડપી બનશે:માહિતી બ્યુરો-સુરતની વિગતો મુજબ, જિલ્લા કલેક્ટરના અગાઉના આદેશ અનુસાર ૫૦થી વધુ ટીમોના આશરે ૨૫૦ અધિકારીઓ અને કર્મચારીઓ પહેલેથી જ મેદાનમાં રહી પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પુરજોશમાં કરી રહ્યા છે. હવે આ નવી ૬૫ ટીમોના ઉમેરાથી રાહત સહાયની સમગ્ર પ્રક્રિયામાં વધુ ઝડપ આવશે અને મુશ્કેલીમાં મુકાયેલા અસરગ્રસ્ત નાગરિકોને સમયસર આર્થિક સહાય પહોંચાડવાનું કામ વધુ સરળ અને અસરકારક બનશે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
