<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

સારવાર બાદ પત્‍નીનું વજન ન ઘટતાં ડોક્‍ટર પર હુમલો કરનારા શિક્ષકને ૧૦ વર્ષની કેદ

પત્‍નીની સારવાર બાદ કોઈ ફર્ક પડ્‍યો નથી કહી હુમલો કર્યો હતો

સુરત,તા.૨૧: કતારગામમાં કિલનિક ચલાવતા ડોક્‍ટરની ઉપર પાંચ વર્ષ પહેલાના ઝઘડાની અદાવત રાખીને તેની ઉપર ધારદાર વસ્‍તુથી હુમલો કરનારા શિક્ષકને કોર્ટે તકસીરવાર ઠેરવીને ૧૦ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્‍યું હતું કે, આરોપી એક શિક્ષક છે અને ઠંડા કલેજે કાવતરું ઘડ્‍યું હતું. આવા ગુનાને હળવાશથી લઈ શકે શકાય નહીં.

આ કેસની વિગત મુજબ કતારગામ આંબાતલાવડી પાસે સરિતા કો.ઓ. હાઉસિગ સોસાયટીમાં રહેતા ડોક્‍ટર અજયભાઈ નરસિહભાઈ મોરડિયા (મૂળ રહે. બોટા, નાના ઝીંઝાવદર) કતારગામ ડભોલી ચાર રસ્‍તા પાસે શ્રીજી સોસાયટીના નાકે આવેલી શાયોની ક્‍લિનિક ચલાવતા હતા. તા. ૦૨-૧૨-૨૦૨૦ના રોજ કતારગામ ગજેરા સ્‍કૂલ પાસે કૈલાશનગરમાં રહેતો મનોજ દુધાતરા તેમની પાસે વજન ઘટાડવાની ટ્રીટમેન્‍ટ કરાવવા માટે આવ્‍યા હતા. મનોજ દૂધાતરા અબ્રામાની પ્રાઈવેટ સ્‍કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હોવાનું જણાવ્‍યું હતું અને તેઓએ મોઢા ઉપર રૂમાલ બાંધ્‍યો હતો. આ દરમિયાન ત્‍યાં બીજો એક પેશન્‍ટ આવ્‍યો હતો. મનોજે કહ્યું કે, હું બહાર બેઠો છું તમે પહેલા આ પેશન્‍ટની સારવાર કરી નાંખો. અડધો કલાક બાદ મનોજ ફરી

કેબિનમાં આવ્‍યો હતો અને ડોક્‍ટર અજયભાઈને કહ્યું કે, મારી પત્‍નીને પણ સારવાર કરાવી છે કહીને ફી અંગે ચર્ચા કર્યા બાદ મનોજ નીચે એટીએમમાં રૂપિયા લેવા જવાનું કહીને ગયો હતો. પાંચ મિનિટ બાદ મનોજ આવ્‍યો હતો અને ડોક્‍ટરની ઉપર ધારદાર વસ્‍તુથી હુમલો કરી નાંખ્‍યો હતો. આ હુમલામાં ડો. અજયભાઈને ગળાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. થોડીવાર બાદ ફરી મનોજે હુમલો કર્યો અને કહ્યું કે, પાંચ વર્ષ પહેલા મારી પત્‍નીએ તમારી પાસે સારવાર કરાવી હતી પરંતુ તેનામાં કોઈ ફર્ક પડ્‍યો નથી, તમે ડોક્‍ટરો ખાલી પૈસા લો છે અને સારવાર આપતા નથી કહીને હુમલો કરવા લાગ્‍યો હતો. અજયભાઈએ બૂમાબૂમ કરતા મનોજે ડોક્‍ટરના ખિસ્‍સામાંથી પર્સ અને મોબાઈલની લૂંટ ચલાવી ત્‍યાંથી ભાગી છૂટ્‍યો હતો. બનાવ અંગે પોલીસ કંટ્રોલમાં ફોન કરવામાં આવતા કતારગામ પોલીસમાં મનોજ દૂધાતરાની સામે હત્‍યાના પ્રયાસનો તેમજ લૂંટનો ગુનો નોંધ્‍યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દિપેશ દવેએ દલીલો કરી હતી, જ્‍યારે ડોક્‍ટર અજયભાઈ તરફે એડવોકેટ દિલીપ કમાણીએ દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા કરવાની રજૂઆત કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ મનોજને ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો

(10:16 AM IST)