<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં ઘરેલુ ઝઘડો બન્યો જીવલેણ :ખારી તલાવડીમાં પત્નીએ જ પતિની કરી ઘાતકી હત્યા

ત્રિકમ જેવા ઘાતકી હથિયારના ઘા ઝીંકી પતિને ઉતાર્યો મોતને ઘાટ :પોલીસે સ્થળ પર પહોંચી હત્યારી પત્નીની ધરપકડ કરી

વડોદરા:શહેરના કુંભારવાડા ખારી તલાવડી વિસ્તારમાં એક પત્નીએ જ પોતાના પતિની ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, વડોદરાના આ ગીચ વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અણબનાવ ચાલી રહ્યો હોવાની ચર્ચા છે. ઘટનાના દિવસે ઘરેલુ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પત્નીએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. આવેશમાં આવીને પત્નીએ ઘરમાં પડેલા ત્રિકમ જેવા તીક્ષ્ણ અને ઘાતકી હથિયારના ઉપરાઉપરી ઘા પતિના શરીરમાં ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓ અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે પતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

  હત્યાના આ બનાવથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ વડોદરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ગુનામાં વપરાયેલું હથિયાર કબજે કર્યું છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પારિવારિક કંકાસ કારણભૂત હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

(10:59 PM IST)