<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

વડોદરાનો ચોખંડી ખાતે આવેલ ડોમિનોઝના પિઝામાંથી નીકળ્યું 'જીવડું',

ગ્રાહકના હોબાળા પોલીસે મધ્યસ્થી કરી સંપૂર્ણ રીફંડ અપાવ્‍ય઼ુ

વડોદરાઃ શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલી જાણીતી ફૂડ ચેઈન 'ડોમિનોઝ પિઝા'ના આઉટલેટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંથી મંગાવવામાં આવેલા અંદાજે રૂ. 2,000ના પિઝાના ઓર્ડરમાંથી જીવડું નીકળ્યાનો ગ્રાહકે ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઘટનાને પગલે ગ્રાહકે આઉટલેટ પર જઈ ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકનો દાવો છે કે, આઉટલેટની અંદર પણ સ્વચ્છતાનો મોટો અભાવ હતો અને ત્યાં પણ જીવડાં હોવાનું જોવા મળ્યું હતું.

ઘટનાની ગંભીરતાને પગલે ગ્રાહકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસની હાજરીમાં બંને પક્ષો વચ્ચે સામસામે બેસીને ચર્ચા કરવામાં આવી હતી. અંતે મામલો થાળે પાડવા માટે આઉટલેટના સંચાલકોએ ગ્રાહકને ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત કરી દીધી હતી.

જોકે, આ ઘટનાએ શહેરના ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના ધોરણો અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, જેમાં જીવજંતુઓ અને ઉડતી માખીઓનો ઉપદ્રવ વધવો સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિમાં જ્યારે પ્રતિષ્ઠિત બ્રાન્ડના આઉટલેટમાંથી આ પ્રકારના કિસ્સા સામે આવે, ત્યારે ગ્રાહકોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થાય છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે, જો મોટી અને જાણીતી બ્રાન્ડમાં આવી બેદરકારી જોવા મળતી હોય, તો નાના ખાણી-પીણીના એકમોમાં સ્વચ્છતાની શું સ્થિતિ હશે?

આ સમગ્ર ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી સામે પણ આંગળી ચીંધી છે. નાગરિકોની એવી માગ છે કે, પાલિકાના સત્તાધીશોએ જાગૃત થઈને શહેરના તમામ ફૂડ આઉટલેટ્સમાં નિયમિત અને સઘન તપાસ હાથ ધરવી જોઈએ. માત્ર કાગળ પર કામ કરવાને બદલે, ક્વોલિટી ચેક અને હાઈજીન બાબતે કડક કાર્યવાહી કરવાની અત્યંત જરૂર છે. ચોમાસા દરમિયાન રોગચાળો ફેલાવવાનો ડર હોવાથી, તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

(2:31 PM IST)