<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

મળતિયાઓ માટે સરકારી તિજોરીના દ્વાર ખુલ્‍લા!

અમિત ચાવડાનો ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપઃ યુસુફ પઠાણને ૨૦ કરોડની જમીન ભેટ ધરાવવાની તૈયારી, સામાન્‍ય જનતાને પ્‍લોટ માટે ધક્કા

અમદાવાદઃ ગુજરાતમાં સામાન્‍ય નાગરિકને રહેણાંક માટે ૧૦૦ ચોરસવારનો પ્‍લોટ મેળવવો પણ મુશ્‍કેલ છે, જ્‍યારે રાજકીય સમીકરણો બદલાતાં શાસક પક્ષના માનીતાઓને કરોડોની સરકારી જમીન ભેટ ધરવામાં આવે છે, તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે. રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે વડોદરામાં ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા યુસુફ પઠાણને સરકારી જમીન ફાળવવાના મુદ્દે ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર, બેવડાં ધોરણો અને રાજકીય મહેરબાનીના ગંભીર આક્ષેપો કર્યા હતા.

અમિત ચાવડાના જણાવ્‍યા અનુસાર, યુસુફ પઠાણે માર્ચ ૨૦૧૨માં વડોદરા કોર્પોરેશન પાસે પોતાના ઘરની બાજુમાં આવેલી સરકારી જમીન રહેણાંક હેતુ માટે ફાળવવાની માંગણી કરી હતી. તે સમયે જમીનનું મૂલ્‍યાંકન પ્રતિ ચોરસ મીટર રૂ. ૫૨,૨૭૦ નક્કી કરાયું હતું અને ભાજપ શાસિત સ્‍ટેન્‍ડિંગ કમિટીએ ક્રિકેટર તરીકે દેશનું નામ રોશન કર્યું હોવાનું કારણ આપી જમીન ફાળવવાની ભલામણ પણ કરી હતી. જોકે, જૂન ૨૦૧૪માં રાજ્‍યના શહેરી વિકાસ વિભાગે આ દરખાસ્‍ત નામંજૂર કરી હતી. ત્‍યારબાદ વર્ષો સુધી જમીન અંગે કોઈ કાર્યવાહી થઈ નહોતી. પરંતુ ૨૦૨૪માં યુસુફ પઠાણ સાંસદ બન્‍યા બાદ કોર્પોરેશન દ્વારા જમીન પરના કથિત ગેરકાયદે કબજાને લઈને નોટિસ ફટકારવામાં આવી હતી. આ મામલે હાઈકોર્ટની સિગલ અને ડિવિઝન બેન્‍ચે પણ તેમની અપીલ ફગાવી જમીનનો કબજો ખાલી કરાવવા અને જંત્રી મુજબ આશરે રૂ. ૨૦ કરોડની કિમત વસૂલવા આદેશ કર્યો હોવાનું શ્રી ચાવડાએ જણાવ્‍યું હતું.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે યુસુફ પઠાણના રાજકીય સમીકરણો બદલાયા બાદ હવે એ જ જમીન તેમને ફાળવવાની તૈયારી થઈ રહી છે. શહેરી વિકાસ વિભાગના ઠરાવ મુજબ ૫૦૦ ચોરસ મીટર જમીન ભેટમાં આપવા અને બાકીની ૪૭૮ ચોરસ મીટર જમીન બજારકિમતના માત્ર ૫૫ ટકા ભાવે આપવા માટે વડોદરા કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં દરખાસ્‍ત લાવવામાં આવી રહી છે. આ જમીન મૂળ ખેડૂતની ૪૦ ટકા કપાતમાંથી શાળા, બગીચા કે હોસ્‍પિટલ જેવા જાહેર હેતુઓ માટે અનામત રાખવામાં આવેલી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. અન્‍ય અર્જુન એવોર્ડ વિજેતા ક્રિકેટરોને આ લાભ નહીં મળે અને આ નિર્ણય માત્ર યુસુફ પઠાણ પૂરતો મર્યાદિત રાખવામાં આવ્‍યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

શ્રી ચાવડાએ વધુમાં સવાલ ઉઠાવ્‍યો હતો કે ૨૦૧૪માં ગુજરાત સરકારે આ જમીન ફાળવવાની દરખાસ્‍ત નામંજૂર કરી હતી, તો ૨૦૨૪ની લોકસભા ચૂંટણી વખતે યુસુફ પઠાણે પોતાના સોગંદનામામાં વડોદરા ટી.પી. ૨૨, એફ઼પી. ૯૦ની આ કોર્પોરેશન માલિકીની જમીન પોતાની મિલકત તરીકે કેવી રીતે દર્શાવી હતી? આ અંગે સરકાર અને કોર્પોરેશન સ્‍પષ્ટતા કરે તેવી માંગણી તેમણે કરી હતી. કોંગ્રેસના જણાવ્‍યા મુજબ, જમીન પરના કથિત ગેરકાયદે કબજા અને દંડ સહિતની બાબતોમાં પણ રાહત આપવાની તૈયારી થઈ રહી છે.

અમિત ચાવડાએ ચેતવણી આપતાં જણાવ્‍યું હતું કે સામાન્‍ય નાગરિકને એક ફૂટ સરકારી જગ્‍યા મેળવવા માટે પણ કચેરીઓના ધક્કા ખાવા પડે છે, જ્‍યારે મળતિયાઓ માટે પ્રજાના નાણાં અને સરકારી મિલકતો ખુલ્‍લી મૂકી દેવામાં આવે છે. આવતીકાલે વડોદરા મહાનગરપાલિકાની બોર્ડ બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરો આ દરખાસ્‍તનો સખત વિરોધ કરશે અને સરકાર આ નિર્ણય આગળ વધારશે તો સમગ્ર ગુજરાતમાં જનજાગૃતિ અભિયાન ચલાવી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

પત્રકાર પરિષદમાં કોંગ્રેસના મીડિયા કન્‍વીનર ડો. મનિષ દોશી, હેમાંગ રાવલ, નાગજી દેસાઈ, પંકજ શાહ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્‍વિક જોષી સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(3:35 PM IST)