<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ડૉ .રૂપલબેન માંકડની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિમણૂંક

શિક્ષણ, સંશોધન, સાહિત્ય અને શૈક્ષણિક વહીવટ ક્ષેત્રે 33 વર્ષના પ્રદાનને મળ્યું વધુ એક ગૌરવપૂર્ણ સન્માન

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર : ગુજરાતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા  ત્રણ દાયકાથી વધુ સમયથી શિક્ષણ, સંશોધન, શૈક્ષણિક વહીવટ, સાહિત્યસર્જન અને સંસ્થાકીય વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહેલા ડૉ. રૂપલબેન માંકડની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદની કાર્યકારી પરિષદના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ  હેઠળ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં  Learner Support Centresના ચાર આચાર્યોમાંથી સભ્ય તરીક તેમની  પસંદગી કરવામાં આવી છે.
ડૉ. માંકડની આ નિમણૂક તેમના લાંબા અને બહુઆયામી શૈક્ષણિક જીવનમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. શિક્ષકથી પ્રિન્સિપાલ સુધીની તેમની યાત્રામાં તેમણે 33 વર્ષનો શિક્ષણ અને વહીવટી અનુભવ પ્રાપ્ત કર્યો છે. હાલમાં તેઓ સાઈઠ વર્ષ જૂની શિક્ષણ સંસ્થા દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય માં આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે અને  તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં બોર્ડ ઓફ પ્રેક્ટિસ ટીચીંગ ના ચેરમેન તરીકે , બોર્ડ ઓફ સ્ટડીઝ અને અન્ય કામગીરીઓ સાથે આઈ.આઈ.ટી.ઈ.ગાંધીનગરની વિવિધ કમિટીઓમાં, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, તેમજ ગુજરાત વિદ્યાપીઠ , અમદાવાદ જેવી વિવિધ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા રહી સંશોધન , વહીવટ અને શિક્ષણનું કામ કર્યું છે.
સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ અને સાતત્યપૂર્ણ યોગદાન
 તેમણે UGC માઇનોર રિસર્ચ પૂર્ણ કરેલ છે. તેમના વક્તવ્યો અનેક જગ્યાએ યોજાયા છે જેમાં યુનિવર્સિટીના રિફ્રેશર કોર્સમાં તજગ્ન તરીકે , નવોદય વિદ્યાલય દ્વારા યોજાયેલ રાજ્ય સ્તરીય શિક્ષક તાલીમમાં, વિવિધ કોલેજોમાં તેમજ સામાજિક સંસ્થાઓમાં આપેલા વક્તવ્યોની યાદી ઘણી લાંબી છે. તેમણે રેડિયો અને ટીવી પર પણ પોતાના વિચારો પ્રદર્શિત કર્યા છે.
પીએચ.ડી. સંશોધન માર્ગદર્શક તરીકે નોંધપાત્ર સેવા
ડૉ. માંકડે સંશોધન માર્ગદર્શનના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર કામગીરી કરી છે. તેમના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી 8 પીએચ.ડી. સંશોધનકારોના સંશોધનકાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે હાલમાં 6 પીએચ.ડી. સંશોધનકારો સંશોધન કાર્ય કરી રહ્યા છે.તેમણે IGNOU ના 11 જેટલા સંશોધકોને એમ.એડ. કક્ષાએ સંશોધન કાર્યમાં માર્ગદર્શન આપેલ છે.
  ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની કાર્યકારી પરિષદમાં સભ્ય તરીકેની નવી જવાબદારી આ યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરે છે.
ડૉ. રૂપલબેન માંકડની આ નિમણૂક બદલ શિક્ષણજગત, સાહિત્યજગત, સંશોધકો, વિદ્યાર્થીઓ, સહકર્મીઓ તથા જામનગર અને સૌરાષ્ટ્રના શૈક્ષણિક વર્તુળોમાંથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
33વર્ષનો શૈક્ષણિક અને વહીવટી અનુભવ, પુસ્તકોનું લેખન-સંપાદન, વિવિધ સંશોધનપ્રકલ્પો,  પીએચ.ડી. સંશોધકોને માર્ગદર્શન, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી તથા વિવિધ પ્રતિષ્ઠિત પુરસ્કારો અને સન્માનો—આ તમામ સિદ્ધિઓ વચ્ચે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની કાર્યકારી પરિષદમાં થયેલી આ નિમણૂક તેમના શૈક્ષણિક નેતૃત્વને મળેલી વધુ એક નોંધપાત્ર માન્યતા બની છે

(8:00 PM IST)