તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ બાદ સ્મીમેરનો આકરો નિર્ણય: હવે રેગિંગ થશે તો એન્ટી-રેગિંગ કમિટી સાથે જે-તે વિભાગના HODની પણ સીધી જવાબદારી નક્કી થશે
નવા રેસિડેન્ટ ડોક્ટરો માટે ‘મેન્ટર પ્રોગ્રામ’ : ફરિયાદ મળતાં જ તાત્કાલિક કાર્યવાહી : જુનિયર તબીબોને ભયમુક્ત વાતાવરણ આપવા નિયમિત સમીક્ષા બેઠકો

સુરત : સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર ડૉ. હર્ષ પંડ્યાના આપઘાતના ચર્ચાસ્પદ બનાવ બાદ મેડિકલ આલમમાં સર્જાયેલા ઘેરા પ્રત્યાઘાત વચ્ચે સ્મીમેર મેડિકલ કોલેજ તંત્ર હરકતમાં આવ્યું છે. કેમ્પસમાં રેગિંગ અને જુનિયર તબીબોના શારીરિક-માનસિક શોષણને ડામવા માટે કોલેજ તંત્ર દ્વારા આકરા પગલાં ભરવામાં આવ્યા છે. હવે રેગિંગની કોઈ ઘટના બનશે તો માત્ર એન્ટી-રેગિંગ કમિટી કે સ્ક્વોડ પૂરતી જવાબદારી સીમિત નહીં રહે, પરંતુ જે-તે વિભાગના HOD અને યુનિટ હેડની પણ સીધી જવાબદારી નક્કી કરવામાં આવશે.
ડૉ. હર્ષ પંડ્યા કેસ બાદ સામે આવેલા વિવિધ મુદ્દાઓ અને તંત્રની વ્યવસ્થાની સમીક્ષા કરીને સ્મીમેર દ્વારા નવી કડક માર્ગદર્શિકા અમલી બનાવવામાં આવી છે. જે અંતર્ગત દરેક વિભાગના વડાએ પોતાના વિભાગમાં ફરજ બજાવતા જુનિયર અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો વચ્ચે સૌહાર્દપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણ જળવાઈ રહે તેની તકેદારી રાખવાની રહેશે.
કોલેજ કે હોસ્પિટલમાં કોઈ જુનિયર વિદ્યાર્થી અથવા રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગ, માનસિક ત્રાસ કે અયોગ્ય વર્તનની ઘટના બને તો સંબંધિત વિભાગના HOD અને યુનિટ હેડની ભૂમિકા અને જવાબદારીની પણ સમીક્ષા કરવામાં આવશે. આમ, રેગિંગ રોકવાની જવાબદારી હવે માત્ર એન્ટી-રેગિંગ કમિટી સુધી મર્યાદિત નહીં રહે.
નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવનારા રેસિડેન્ટ ડોક્ટરો માટે ખાસ ‘મેન્ટર પ્રોગ્રામ’ શરૂ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત નવા તબીબોને રેગિંગ વિરોધી કાયદા, કોલેજના નિયમો, ફરિયાદ કરવાની વ્યવસ્થા તેમજ પોતાની સુરક્ષા અને અધિકારો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
જુનિયર ડોક્ટર દ્વારા રેગિંગ, માનસિક ત્રાસ કે સિનિયર ડોક્ટરના અયોગ્ય વર્તન અંગે નાની કે મોટી કોઈ પણ ફરિયાદ કરવામાં આવે તો તેને ગંભીરતાથી લઈ વિલંબ કર્યા વગર તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ફરિયાદો લાંબા સમય સુધી પડતર ન રહે અને પીડિતને સમયસર મદદ મળે તેના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
કોલેજ કેમ્પસ અને હોસ્ટેલમાં જુનિયર તબીબો ભય વગર અભ્યાસ અને ફરજ બજાવી શકે તે માટે સુરક્ષા વ્યવસ્થાની નિયમિત સમીક્ષા કરવામાં આવશે. આ માટે સમયાંતરે સમીક્ષા બેઠકો યોજી વિભાગવાર પરિસ્થિતિની જાણકારી મેળવવામાં આવશે.
ડૉ. હર્ષ પંડ્યાના આપઘાતના બનાવ બાદ સ્મીમેર તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને રેગિંગ અને માનસિક ત્રાસ સામેની વ્યવસ્થાને વધુ જવાબદાર બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. નવી વ્યવસ્થાનો અસરકારક અમલ થાય તો રેગિંગ કરનારા સામે કડક કાર્યવાહી સાથે નવાગંતુક અને જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોને વધુ સુરક્ષિત તથા ભયમુક્ત વાતાવરણ મળી શકે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
