<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ગુજરાતમાં SSR-2027 અંતર્ગત 4.48 કરોડ મતદારોની મુસદ્દા યાદી જાહેર: 8.46 લાખ મતદારોનો વધારો

નાગરિકો 26 ડિસેમ્બર સુધી નામ ઉમેરવા અને વિગતો સુધારવા અરજી કરી શકશે. 29 નવેમ્બર, 6 અને 13 ડિસેમ્બરે BLO મતદાન મથકો પર હાજર રહેશે. આખરી મતદાર યાદી 18 જાન્યુઆરી, 2027ના રોજ પ્રસિદ્ધ થશે.

ગાંધીનગર :ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીલક્ષી તૈયારીઓ તેજ બની છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટો મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-2027) અંતર્ગત રાજ્યની  એકીકૃત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. નવી યાદી પ્રમાણે ગુજરાતમાં કુલ 4,48,77,288 મતદારો નોંધાયા છે. ગત આખરી મતદાર યાદીની સરખામણીએ રાજ્યમાં 8,46,563 મતદારોનો ચોખ્ખો વધારો થયો છે.

 

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યની નવી મુસદ્દા મતદાર યાદીમાં 2,30,90,067 પુરુષ મતદારો, 2,17,86,150 મહિલા મતદારો અને 1,071 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. અગાઉ 17 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ થયેલી આખરી મતદાર યાદીમાં કુલ 4,40,30,725 મતદારો નોંધાયેલા હતા. તેની સરખામણીએ નવી યાદીમાં મતદારોની સંખ્યામાં 1.92 ટકાનો વધારો નોંધાયો છે.

 

 

મતદાર યાદીની સુધારણા પ્રક્રિયા દરમિયાન નવા મતદારોનાં નામ ઉમેરવા અને વિગતોમાં સુધારા માટે મોટી સંખ્યામાં અરજીઓ મળી હતી. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે ફોર્મ-6, ફોર્મ-6A અને સ્થળાંતર સંબંધિત ફોર્મ-8 હેઠળ કુલ 12,01,184 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. બીજી તરફ, મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ-7 અને ફોર્મ-8 હેઠળ કુલ 3,54,621 અરજીઓ મંજૂર થઈ છે.

 

 

મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ હવે નાગરિકો માટે હક્ક-દાવા અને વાંધા રજૂ કરવાનો તબક્કો શરૂ થયો છે. 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 સુધી મતદારો પોતાના નામ અને વિગતો ચકાસી શકશે. જો મતદાર યાદીમાં નામ ન હોય, નામ કે અન્ય વિગતોમાં ભૂલ હોય અથવા સરનામામાં ફેરફાર કરાવવો હોય તો નિયત ફોર્મ ભરીને અરજી કરી શકાશે.

 

ચૂંટણી પંચે અલગ-અલગ કામગીરી માટે નિયત ફોર્મની વ્યવસ્થા કરી છે. ફોર્મ-6 નવા મતદારોના નામ નોંધાવવા, જ્યારે ફોર્મ-6A વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો માટે છે. ફોર્મ-7 દ્વારા મતદાર યાદીમાં નામ સામે વાંધો નોંધાવી શકાય છે અથવા નામ કમી કરાવી શકાય છે. જ્યારે ફોર્મ-8નો ઉપયોગ સરનામું બદલવા, નામ અને વિગતોમાં સુધારો કરવા, ડુપ્લિકેટ EPIC મેળવવા તથા દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી માટે કરી શકાશે.

 

મતદારોને સરળતાથી અરજી કરવાની સુવિધા મળી રહે તે માટે ચૂંટણી પંચે ત્રણ વિશેષ ઝુંબેશ દિવસો જાહેર કર્યા છે. 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર, 2026ના રોજ બૂથ લેવલ ઓફિસર (BLO) સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મથકો પર હાજર રહેશે. આ દરમિયાન નાગરિકો મતદાર યાદી ચકાસી શકશે અને જરૂરી ફોર્મ પણ જમા કરાવી શકશે.

પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો માટે પણ આ પ્રક્રિયા મહત્ત્વપૂર્ણ છે. 1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો મતદાર તરીકે નામ નોંધાવવા પાત્ર છે. આ ઉપરાંત 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા સંભવિત મતદારો પણ અગાઉથી અરજી કરી શકશે.

 

મતદારો ઘરે બેઠા પણ પોતાની વિગતો ચકાસી શકશે. આ માટે ચૂંટણી પંચના Voters Service Portal અથવા ECINET મોબાઈલ એપનો ઉપયોગ કરી શકાશે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની સત્તાવાર વેબસાઈટ પર પણ મુસદ્દા મતદાર યાદી ઉપલબ્ધ છે. નાગરિકો ERO કચેરી અથવા નિયત મતદાન મથક પર જઈને પણ યાદી ચકાસી શકશે.

 

મતદાર નોંધણી અધિકારી (ERO)ના કોઈ નિર્ણય સામે અસહમતિ હોય તો નાગરિકો જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે જિલ્લા કલેક્ટર સમક્ષ પ્રથમ અપીલ કરી શકશે. ત્યારબાદ મુખ્ય નિર્વાચન અધિકારી (CEO), ગુજરાત સમક્ષ બીજી અપીલ કરવાની પણ જોગવાઈ છે. હક્ક-દાવા અને વાંધાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 18 જાન્યુઆરી, 2027ના રોજ ગુજરાતની આખરી મતદાર યાદી (Final Voter List) પ્રસિદ્ધ કરવામાં આવશે.

(9:34 PM IST)