તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
સુરત રેલવે સ્ટેશન પર ઓગષ્ટ ક્રાંતિ ટ્રેનમાં DRIના દરોડા: બે કિલો જેટલું હાઈ-પ્રોફાઈલ પાર્ટી ડ્રગ્સ સાથે નાઇજેરિયન યુવતી ઝડપાઈ
આરોપી યુવતીના મોબાઈલ ડેટા અને કોલ ડિટેલ્સના આધારે સુરતના સ્થાનિક સપ્લાયર્સ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન: આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થવાની શકયતા

સુરત શહેરમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે વધુ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજેન્સ (DRI)ની ટીમને મોટી સફળતા મળી છે. સુરત રેલવે સ્ટેશન પર બાતમીના આધારે વોચ ગોઠવીને DRIની ટીમે ઓગષ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક નાઇજેરિયન યુવતીને આંતરી હતી. તપાસ દરમિયાન આ યુવતીના સામાનમાંથી અંદાજે બે કિલો જેટલું હાઈ-પ્રોફાઈલ પાર્ટી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા બે કરોડથી વધુ હોવાનું મનાય છે. આ યુવતીની ઓળખ ઇમ્માનુએલા તરીકે થઈ છે. મોડી સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ન્યાયાધીશે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. DRIની ટીમે આ ઓપરેશન અત્યંત સાવચેતીપૂર્વક પાર પાડ્યું હતું. અગાઉ જ્યારે એક નાઇજેરિયન મહિલાની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેણે ભારે ધમાલ મચાવી હતી અને તેને ટ્રેનમાંથી નીચે ઉતારવા માટે 10થી વધુ પોલીસકર્મીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
સુરત રેલવે સ્ટેશન પર ઓગષ્ટ ક્રાંતિ ટ્રેનમાં આ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે DRIની ટીમ પહેલેથી જ સુરત રેલવે મહિલા પોલીસના મોટા કાફલાને સાથે રાખીને સ્ટેશન પહોંચી હતી. યુવતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલા પોલીસની સતર્કતાને કારણે તેને તુરંત કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સુરત રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનાને પગલે મુસાફરોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી.પકડાયેલું આ ડ્રગ્સ ખાસ કરીને હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં વપરાતું હોવાનું સામે આવ્યું છે. DRI હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો સુરતમાં કોને પહોંચાડવાનો હતો? શું સુરતમાં કોઈ મોટું ડ્રગ્સ રેકેટ સક્રિય છે જે વિદેશી નાગરિકોનો ઉપયોગ કરી માલ મંગાવી રહ્યું છે?
મોટા માથાની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજેન્સ (DRI)ની ટીમના તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી યુવતીના મોબાઈલ ડેટા અને કોલ ડિટેલ્સના આધારે સુરતના સ્થાનિક સપ્લાયર્સ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થવાની અને મોટા માથાની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
