<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

દેડિયાપાડાની ધામણ ખાડીના નવા પુલના છેડે ગાબડું પડતાં વાહન ચાલકોમાં ફફડાટ : મોટા અકસ્માતનો ભય

જૂના પુલની જગ્યાએ નવો પુલ બનાવવાની લોકોની માંગ — વર્ષોથી જૂનો પુલ બંધ હાલતમાં

(ભરત શાહ દ્વારા)નર્મદા :દેડિયાપાડાની ધામણ ખાડી ઉપર બનાવવામાં આવેલા નવા પુલના એક છેડે માટી બેસી જતાં મોટું કોતર અને બાકોરું પડ્યું છે. ગત ચોમાસા દરમિયાન પુલના છેડે માટી બેસી જતાં પડેલું ગાબડું આજે પણ યથાવત્ રહેતાં અહીંથી પસાર થતા વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે.
ધામણ ખાડીના આ પુલ પરથી સતત વાહનોની અવરજવર રહે છે. પુલના છેડે સર્જાયેલા મોટા કોતરના કારણે કોઈ વાહનચાલકનું સંતુલન ખોરવાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે આ સ્થળે અકસ્માતનું જોખમ વધુ રહેવાની શક્યતા છે. વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પુલના છેડે પડેલા ગાબડાનું સમારકામ કરવામાં આવે અને સલામતીના પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
 ૧૫ વર્ષથી જૂનો પુલ બંધ, નવો પુલ બનાવવાની માંગ
દેડિયાપાડાની ધામણ ખાડી ઉપરનો જૂનો પુલ અંદાજે ૧૫ વર્ષથી બંધ હાલતમાં છે. જૂના પુલની જગ્યાએ નવો પુલ બનાવવામાં આવે તેવી લાંબા સમયથી સ્થાનિક લોકોની માંગ છે.
દેડિયાપાડા, ચિકદા, સાગબારા તેમજ મહારાષ્ટ્ર તરફથી આવતા-જતા અને નેત્રંગ, રાજપીપળા તથા સુરત તરફ અવરજવર કરતા વાહનચાલકોને હાલના માર્ગ પરથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જૂના પુલની જગ્યાએ નવો અને મજબૂત પુલ બનાવવામાં આવે તો વાહનચાલકોની મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે.
બોક્સ : ભારદારી વાહનોની અવરજવરથી નવા પુલ ઉપર પણ જોખમ
ધામણ ખાડીના નવા પુલ ઉપર સતત ભારદારી વાહનોની અવરજવર રહેતી હોવાથી પુલ ઉપર પણ દબાણ વધી રહ્યું છે. આગામી ચોમાસામાં ભારે વરસાદ અને ભારદારી વાહનોની અવરજવરના કારણે પુલને નુકસાન થવાની શક્યતા અંગે પણ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.પુલના છેડે માટી બેસી જવાની ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી જરૂરી મરામત કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
કરજણ નદીના જૂના પુલના સમારકામ સામે પણ સવાલો.
આ જ હાઇવે પર આગળ કરજણ નદી ઉપરનો જૂનો પુલ પણ જર્જરિત હાલતમાં છે અને ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જૂના પુલની જગ્યાએ નવો પુલ બનાવવાની જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે જૂના પુલના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે.ભારદારી વાહનોની અવરજવરના કારણે પુલના પાયા અને પિલ્લરો હલતા હોવાની ચર્ચા વચ્ચે જૂના પુલને વારંવાર રિપેર કરવાને બદલે કાયમી ઉકેલ તરીકે નવો પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.  જૂના પુલના સમારકામ પાછળ કરવામાં આવતા ખર્ચની યોગ્યતા તથા પુલની સલામતી અંગે તપાસ કરવામાં આવે તેવી પણ સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે.

(8:18 PM IST)