<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

સુરતમાં MLA લખેલી કારમાં નશાખોરો ઝડપાયા: ઉત્રાણ પોલીસે શંકાસ્પદ કારની તપાસ કરતા બે શખ્સો નશામાં મળ્યા

પોલીસે આરોપી પ્રફુલ સંઘાણી અને આશિષ વેકરીયાની ધરપકડ કરી : લોકો પર પ્રભાવ પાડવા અને ઓળખ છુપાવવા કાર પર માર્યું હતું ખોટું બોર્ડ

સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે ઉત્રાણ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો શોધી કાઢવામાં આવ્યો છે. શહેરમાં રાજકીય વગનો દુરુપયોગ કરી રૌફ જમાવતા બે શખ્સોને પોલીસે દારૂના નશામાં  ઝડપી પાડ્યા છે. નવાઈની વાત એ છે કે આ શખ્સો જે કારમાં સવાર હતા, તેના પર 'MLA' લખેલું બોર્ડ મારેલું હતું.

મળતી માહિતી મુજબ, ઉત્રાણ પોલીસની ટીમ જ્યારે નાઈટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે એક શંકાસ્પદ કાર તેમની નજરે ચડી હતી. આ કાર પર ધારાસભ્ય લખેલું બોર્ડ જોઈને પોલીસે તેની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાં સવાર પ્રફુલ સંઘાણી અને આશિષ વેકરીયા નામના બે શખ્સો નશાની હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક ધોરણે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ બંને શખ્સો કોઈ ધારાસભ્ય નથી, પરંતુ માત્ર રસ્તો રોકવા કે લોકો પર પ્રભાવ પાડવા માટે જ કાર પર 'MLA' લખેલું બોર્ડ લગાવીને ફરતા હતા. ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં, આ રીતે નકલી હોદ્દાનો ઉપયોગ કરી નશો કરવો તે ગંભીર ગુનો છે. ઉત્રાણ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર કબજે કરી છે. આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે કે કઈ રીતે સામાન્ય લોકો રાજકીય ઓળખનો ખોટો સહારો લઈને ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે.

(11:31 PM IST)