<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

વડોદરામાં નશામાં ધૂત પોલીસકર્મીએ બાઈક સવાર યુવક અને મહિલાને અડફેટે લીધા : લોકો ભેગા થતા કાર મૂકીને ભાગી ગયો

અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી: કારમાંથી દારૂની બોટલ અને પોલીસની નેમપ્લેટ મળી

વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની રક્ષા માટે નિયુક્ત થયેલા ખાખી વર્દીધારીની અત્યંત શરમજનક કરતૂત સામે આવી છે. શહેરના આજવા રોડ પર મોડી રાત્રે પુરઝડપે જઈ રહેલા એક કારચાલકે બાઈક સવાર યુવક અને મહિલાને ગંભીર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાસ્થળે લોકોનો ભારે જમાવડો થતો જોઈને અકસ્માત સર્જનાર કારનો ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. આ દરમિયાન સ્થાનિક નાગરિકોએ કારની અંદર તપાસ કરતાં તેમાંથી દારૂની ખાલી બોટલ અને પોલીસ કર્મચારીની નેમ પ્લેટ મળી આવી હતી. આ શંકાસ્પદ પુરાવાઓથી સ્પષ્ટ સાબિત થયું કે કારચાલક કોઈ પોલીસકર્મી હતો અને તે નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો.
ભયાનક અકસ્માતના પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવક અને મહિલાને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ ગંભીર મામલે પોલીસે ઘટનાસ્થળેથી અકસ્માત સર્જનારી કાર, દારૂની બોટલ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા પોલીસે પોતાના જ ફરાર થઈ ગયેલા સાથી કર્મચારીને ઝડપી પાડવા માટે ખાસ અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે અને તેની સઘન શોધખોળ શરૂ કરી છે.

(1:10 PM IST)