<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

લક્ઝરી બસમાં નશાનો ખેલ: કામરેજ હાઈવે પરથી રૂ. 1 કરોડથી વધુના ગાંજાના જથ્થા સાથે ટ્રાવેલ્સ બસ ઝડપાઈ, રાજસ્થાનના ચાલકની ધરપકડ

રાજસ્થાનથી બેંગલોર જતી લક્ઝરી બસમાં પોલીસનું સઘન ચેકિંગ: એસઓજીની ટીમે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો કર્યો પર્દાફાશ, વોન્ટેડ આરોપીઓની શોધખોળ તેજ

સુરત  : સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા નશાના વેપાર સામે લાલ આંખ કરવામાં આવી છે. કામરેજ તાલુકાના વલથાણ ગામ નજીક નેશનલ હાઈવે-48 પર એસઓજી (SOG) ની ટીમે 'I Stand Strong Against Drugs' અભિયાન અંતર્ગત હાથ ધરેલા ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનના જોધપુરથી બેંગલોર જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.

બસની તલાશી લેતા ચોંકાવનારો જથ્થો મળી આવ્યો

એસઓજી પીઆઈ એલ.ડી. ઓડેદરા અને તેમની ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસે વલથાણ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની 'જાખર ટ્રાવેલ્સ'ની વોલ્વો લક્ઝરી બસને અટકાવી જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી 9.020 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ જથ્થાની બજાર કિંમત અંદાજે રૂ. 4.51 લાખ જેટલી આંકવામાં આવી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા રાજસ્થાનના બરના ગામના રહેવાસી અને બસ ચાલક સાબુદીન શૈલુખાન તૈલી (ઉંમર 38 વર્ષ) ની પોલીસે ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે.

રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત: માસ્ટરમાઇન્ડની શોધખોળ

પોલીસ પૂછપરછમાં આરોપી સાબુદીને કબૂલાત કરી છે કે તે અગાઉ પણ બે વખત આ જ પ્રકારે બસમાં ગાંજાની હેરાફેરી કરી ચૂક્યો છે. આ કેસમાં પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત આખી લક્ઝરી બસ (કિંમત રૂ. 1 કરોડ), મોબાઈલ અને અન્ય સામગ્રી મળીને કુલ રૂ. 1,05,21,110 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં મુખ્ય સૂત્રધાર તરીકે જોધપુરના સુરેશ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સફળતાએ આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓ પર મોટો પ્રહાર કર્યો છે.

(10:16 PM IST)