તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
ડીઝલના મોંઘા ભાડાના લીધે લીલા-સૂકા ઘાસચારાના ભાવ આસમાને
પશુપાલકો પર આભ તૂટ્યું... દાણ, ખાણ અને નિરણના ભાવ ડબલ થઈ જતાં પશુઓનું ભરણપોષણ કરવું અત્યંત કઠિન બન્યું

અમદાવાદ તા.૩: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પશુપાલકો પર મોંઘવારીનો મોટો માર પડ્યો છે. સતત વધી રહેલા ડીઝલના ભાવ અને પરિવહન (ટ્રાન્સપોર્ટેશન) ખર્ચના લીધે ભરૂચ, સુરત અને ઉત્તર ગુજરાતમાંથી આવતા લીલા અને સૂકા ઘાસચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે. એક તરફ ઉનાળામાં સ્થાનિક ખેતરો ખાલી હોવાથી પશુપાલકોએ બહારથી ઘાસચારો વેચાતો લેવો પડે છે, તો બીજી તરફ દાણ, ખાણ અને નિરણના ભાવ ડબલ થઈ જતાં પશુઓનું ભરણપોષણ કરવું અત્યંત કઠિન બન્યું છે.
ડીઝલના ભાવમાં સતત વધારાથી ભરૂચ, સુરત અને ઉત્તર ગુજરાતમાંથી આવતા લીલા અને સૂકા ઘાસચારાના ભાવ આસમાને થતા પશુપાલકો મુશ્કેલીઓમાં મુકાયા છે. હાલ ડીઝલ મોંઘું થવાના કારણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધતા પશુઓ માટેનો લીલો અને સૂકા ઘાસચારાના ભાવમાં પણ વધારો થતા પશુપાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પંદર દિવસ પૂર્વે લીલો ઘાસચારો ૬૦ રૂપિયા જેવા ભાવે મળતો હતો તે હવે ૯૦ થી ૧૦૦ રૂપિયા આસપાસ થઈ જતા પશુઓ માટે નિરણ મોંઘી પડી રહી છે ત્યારે લીલા અને સૂકા ઘાસચારાના ભાવમાં નિયંત્રણ કરવામાં આવે તેવી માંગ પશુપાલકો કરી રહ્યા છે.
લીલા અને સૂકા ઘાસચારામાં ભાવ વધારો થતા વેપારીઓ પણ ચિતિત બન્યા છે. વધારાના કારણે વેપારીઓને પણ વેપાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે ઉપરથી જ ભાવ વધીને આવે છે જેના કારણે ધંધામાં તેની સીધી અસર જોવા મળી રહી છે. સાથે દાણ અને ખાણના ભાવ પણ વધી રહ્યા છે જેને કારણે પશુપાલકો પશુઓ માટે ઓછી નિરણ લેવાનો આગ્રહ કરી રહ્યા છે. લીલી જુવારના ૨૦ કિલોના ભાવ ૯૦ થયા તો સૂકી કડબનો ભાવ ૩૦૦ રૂપિયા થઈ જતા પશુપાલકોમાં ચિતા થઈ રહી છે. હાલ ઉનાળાની ઋતુમાં અનેક ખેતરો ખાલી હોય જેના કારણે ઘાસચારો વેચાતો લેવો પડતો હોય છે.
આ અંગે ખેડૂત આગેવાન દલપતભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે, પશુપાલકો હાલ ઉનાળાની ઋતુમાં માંડ માંડ કરીને પશુઓનું ભરણપોષણ કરતા હોય છે. પરંતુ હાલ જોઈએ તો ડીઝલના ભાવમાં વધારો થયો છે અને વચ્ચે ડીઝલની તંગી પણ જોવા મળી હતી જેના કારણે જે નિરણ અગાઉ ૫૦થી લઈને ૬૦ રૂપિયાની આસપાસ મણ મળતી હતી, તેનો ભાવ ૮૦ રૂપિયા સુધીનો થઈ ગયો છે જેથી પશુપાલકોને ભારે હાલાકી પડી રહી છે. તેની સામે પશુપાલકોને દૂધ કે ઘી ના ભાવમાં વધારો મળતો નથી. સૂકા ઘાસચારામાં પણ ૫૦ રૂપિયા કરતા વધુનો વધારો આવ્યો છે.
આ અંગે પશુપાલક મુકેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, ડીઝલની તંગી વચ્ચે ઘાસચારાના ભાવમાં વધારો નોંધાયો છે. અહીંના ખેડૂતોના ખેતર ખાલી છે ત્યારે અન્ય વિસ્તારોમાંથી વેપારીઓ અહીંયા વેચાણ કરવા માટે આવી રહ્યા છે. ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે જેના કારણે ઘાસચારાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ૪૦ કરતા પણ વધુનો વધારો આવ્યો છે ખાસ તો હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે આ દરમિયાન ખેતરો ખાલી હોય છે અને પશુઓનો ચારો અનેક પશુપાલકોને વેચાતો લેવો પડે છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
