તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
ગઢડામાં જળઝીલણી એકાદશીની ઉજવણી દરમિયાન ઘેલો નદીના રમા ઘાટ પર નાવડી પલટી:દુર્ઘટના ટળી
નાવડીમાં સાધુ-સંતો, સેવકો અને કેમેરામેન સહિત 6 લોકો સવાર હતા. તમામનો આબાદ બચાવ: ઘાટ પર પાણીની ઊંડાઈ આશરે 4 ફૂટ હોવાથી મોટી દુર્ઘટના ટળી:વધુ વજનના કારણે નાવડી પલટી હોવાની આશંકા

બોટાદના ગઢડામાં જળઝીલણી એકાદશીની ઉજવણી દરમિયાન આજે દુર્ઘટના સર્જાઈ હતી. ગઢડાના પવિત્ર ઘેલો નદીના રમા ઘાટ પર પૂજન વિધિ પહેલાં જ નાવડી પલટી ગઈ હતી. ભગવાનને નદીમાં સ્નાન કરાવવાની વિધિ શરૂ થાય તે પહેલાં બનેલી આ ઘટનાથી સ્થળ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, ગોપીનાથજી દેવ મંદિરથી ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા સાથે ભગવાનને રમા ઘાટ પર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પૂજન વિધિ અને ભગવાનને સ્નાન કરાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન નાવડીમાં સાધુ-સંતો, સેવકો અને કેમેરામેન સહિત કુલ 6 લોકો સવાર હતા.
રમા ઘાટ પર નાવડીમાં વધુ લોકો સવાર થતાં વજન વધી જવાને કારણે બોટનું સંતુલન બગડ્યું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અચાનક નાવડી પલટી જતા તેમાં સવાર તમામ 6 લોકો નદીના પાણીમાં પટકાયા હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
ઘેલો નદીના રમા ઘાટ પર હાલમાં આશરે 4 ફૂટ જેટલું પાણી હોવાનું સામે આવ્યું છે. પાણીની ઊંડાઈ ઓછી હોવાના કારણે નાવડી પલટી જવા છતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના બાદ સ્થળ પર હાજર લોકો અને બચાવ કામગીરી સાથે જોડાયેલા લોકોએ તાત્કાલિક તમામ લોકોને સલામત રીતે નદીમાંથી બહાર કાઢ્યા હતા.
જળઝીલણી એકાદશીના ધાર્મિક કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સાથે જ ઘટના સ્થળે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. નાવડી પલટી જવાની ઘટના બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામ 6 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
જળઝીલણી એકાદશી નિમિત્તે ગોપીનાથજી દેવ મંદિરથી ભગવાનની શોભાયાત્રા નીકળી હતી અને પરંપરાગત વિધિ માટે ભગવાનને ઘેલો નદીના રમા ઘાટ પર લાવવામાં આવ્યા હતા. જોકે, ભગવાનને નદીમાં સ્નાન કરાવવાની વિધિ શરૂ થાય તે પહેલાં જ નાવડી પલટી જતાં ઉજવણી દરમિયાન અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે તમામ 6 લોકોનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
