<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

સુરતમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન મનપાના આરોગ્ય વિભાગની લાલ આંખ: ૧૭૦ ફૂડ સ્ટોલનું સઘન ચેકિંગ કરી ૫૧ વેપારીઓને ફટકારાઈ નોટિસ

ડુમસ રોડ અને અઠવા લાઈન્સ સહિતના મોટા ગરબા આયોજનોમાં આરોગ્ય અધિકારીઓ દ્વારા ૧૫૯ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા; સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરવા તાકીદ

સુરત : સુરત શહેરમાં નવરાત્રી પર્વના ઉત્સાહ વચ્ચે ખાદ્ય સુરક્ષા અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ગત ૧૨ થી ૧૬ ઓક્ટોબર દરમિયાન શહેરના વિવિધ પાર્ટી પ્લોટો, ગ્રાઉન્ડો અને ડોમમાં યોજાયેલા નવરાત્રી આયોજનોમાં ધમધમતા કુલ ૧૭૦ ફૂડ સ્ટોલ્સનું અચાનક સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનાર ૫૧ ફૂડ સ્ટોલ સંચાલકોને નોટિસો ફટકારવામાં આવી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના ખાનગી તથા સાર્વજનિક ગરબા આયોજનોમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર ગ્રાહકોને આરોગ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે ફૂડ સેફ્ટી ઓફિસરોએ સઘન તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ સેમ્પલ મેળવીને કુલ ૧૫૯ નમૂનાઓ પૃથ્થકરણ અર્થે એકત્રિત કરવામાં આવ્યા હતા. તમામ વેપારીઓને સ્ટોલ પર સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા તેમજ ગ્રાહકોને શુદ્ધ ખોરાક પીરસવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

 

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી હતી કે ખાદ્ય પદાર્થો બનાવતા તથા પીરસતા તમામ કારીગરોએ ફરજિયાતપણે એપ્રોન, ટોપી અને હેન્ડ ગ્લોવ્ઝ (મોજાં) પહેરવા પડશે. આ ઉપરાંત, જે વેપારીઓ પાસે હંગામી લાયસન્સ નહોતું તેમને સ્થળ પર જ માર્ગદર્શન આપીને તાત્કાલિક ધોરણે લાયસન્સ મેળવી લેવા માટે આદેશ કરવામાં આવ્યા છે.

 

તપાસની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડુમસ રોડ પર આવેલા એડવેન્ટા ઓલીવ નવરાત્રી ડોમમાં ૧૦ ફૂડ સ્ટોલમાંથી ૧૬ નમૂના લેવાયા હતા. જ્યારે ડુમસ રોડના જ વાઈ.પી.ડી. નવરાત્રી ડોમમાં ૯૮ ફૂડ સ્ટોલમાંથી ૧૨ નમૂના લઈને ૨ સ્ટોલધારકોને નોટિસ આપવામાં આવી હતી. આમ, માત્ર આ બે જ સ્થળોએથી કુલ ૧૮ ફૂડ સ્ટોલમાંથી ૨૮ નમૂના લેવાયા હતા. આ ઉપરાંત અઠવા લાઈન્સ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ફૂડ ફેસ્ટિવલમાંથી પણ વિવિધ ચીજવસ્તુઓના ૬ નમૂનાઓ લેવામાં આવ્યા છે.

 

આ તમામ ખાદ્ય નમૂનાઓને સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે કાનૂની અને ગુણવત્તા પૃથ્થકરણ (ટેસ્ટિંગ) માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ વધુ કડક પગલાં લેવામાં આવશે. તહેવારોના દિવસોમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે મનપાની આ સક્રિય અને લાલ આંખની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

 

(7:33 PM IST)