<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

આફ્રિકાથી પરત ફરેલા 11 મુસાફરોના કારણે ગુજરાતમાં ઈબોલા વાયરસની દહેશત: અમદાવાદમાં તમામને હોમ આઈસોલેશનમાં રાખી આરોગ્ય વિભાગે વધારી તકેદારી

એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ દરમિયાન શંકાસ્પદ લક્ષણો દેખાતા લેવાયા સેમ્પલ: SVP હોસ્પિટલમાં ખાસ આઈસોલેશન વોર્ડ ઉભો કરાયો, રાજ્યમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

અમદાવાદ તા.૨૭ :  આફ્રિકાના કેટલાક દેશોમાં ઈબોલા વાયરસના વધતા કેસને પગલે ગુજરાતનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુગાન્ડા અને કોંગો જેવા ઈબોલા પ્રભાવિત દેશોમાંથી પરત ફરેલા 11 મુસાફરોમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તંત્રએ તાત્કાલિક તમામને હોમ આઈસોલેશનમાં રાખ્યા છે.  

 

આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ અને હેલ્થ ચેકઅપ દરમિયાન આ 11 લોકોમાં તાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. સાવચેતીના ભાગરૂપે તુરંત જ તમામના બ્લડ સેમ્પલ લઈને પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમામને 21 દિવસ માટે ઘરમાં જ આઈસોલેટ રહેવા સૂચના આપવામાં આવી છે.  

 

AMCના આરોગ્ય વિભાગની ખાસ ટીમો દ્વારા આ તમામ લોકોના ઘરે જઈને દિવસમાં બે વખત તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. પરિવારના સભ્યોને પણ અલગ રહેવા અને માસ્ક સહિતની તકેદારી રાખવા જણાવાયું છે.  

 

ઈબોલા એક અત્યંત સંક્રામક અને જીવલેણ વાયરસ છે. સંક્રમિત વ્યક્તિના લોહી, લાળ, પરસેવો કે શરીરના અન્ય પ્રવાહીના સીધા સંપર્કથી આ રોગ ફેલાય છે. અચાનક તાવ, નબળાઈ, સ્નાયુમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા, ઉલ્ટી, ઝાડા અને શરીર પર ચકામા તેના મુખ્ય લક્ષણો છે. WHOએ પણ તાજેતરમાં આફ્રિકામાં ઈબોલાના વધતા કેસને લઈને વૈશ્વિક ચેતવણી જાહેર કરી છે.  

 

પરિસ્થિતિની ગંભીરતા જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા SVP હોસ્પિટલમાં 20 બેડનો ખાસ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તમામ સિવિલ હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોને એડવાઈઝરી જારી કરીને શંકાસ્પદ દર્દી જણાય તો તુરંત આરોગ્ય વિભાગને જાણ કરવા આદેશ આપવામાં આવ્યો છે.  

 

આરોગ્ય અગ્ર સચિવે સ્પષ્ટતા કરી છે કે અત્યારે ગુજરાતમાં ઈબોલાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ માત્ર એરપોર્ટ સર્વેલન્સના ભાગરૂપે લેવાયેલ સાવચેતીનું પગલું છે. લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ આફ્રિકાથી પરત ફર્યો હોય અને તાવ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. એરપોર્ટ પર આફ્રિકાથી આવતી તમામ ફ્લાઈટના મુસાફરોનું 100 ટકા સ્ક્રિનિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.

(4:04 PM IST)