તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
દેશમાં આર્થિક કટોકટી જાહેર થઇ શકેઃ કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરશેઃ ભરતસિંહ સોલંકી
ડીઝલની અછત મુદ્દે કોંગ્રેસ નેતાનું સોશિયલ મીડિયા પર આકરું નિવેદનઃ ભાજપ સરકારની નિષ્ફળતાના કારણે ખેડૂતો લાઈનમાં, તાત્કાલિક ડીઝલ પૂરું પાડો નહીં તો કોંગ્રેસ આંદોલન કરશે

અમદાવાદ તા.રરઃ રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલની કળત્રિમ અછત અને ખેડૂતોની હાલાકી મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અને દેશમાં આર્થિક કટોકટી જાહેર થવાની શકયતા દર્શાવી છે.
ભરતસિંહ સોલંકીએ ‘X’ (ટ્વિટર) અને ફેસબુક પર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે, ‘‘ગુજરાતમાં ભાજપની સરકારની ઘોર નિષ્ફળતાના કારણે આજે અન્નદાતા ખેડૂત ડીઝલ માટે રાત-રાત સુધી પેટ્રોલ પંપો પર લાઈનમાં ઉભો છે. ચોમાસુ વાવેતર માથે છે, ખેતર ખેડવાના છે, પણ ટ્રેક્ટરમાં પૂરવા ડીઝલ જ નથી. સાવરકુંડલાથી લઈને જામજોધપુર, ભાણવડથી શેરબાગ ગડુ સુધી દરેક જગ્યાએ ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે.''
તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘‘એક તરફ સરકાર ડીઝલ-પેટ્રોલના ભાવ વધારીને જનતાના ખિસ્સા ખાલી કરી રહી છે, તો બીજી તરફ પૂરતો જથ્થો પણ પૂરો પાડી શકતી નથી. આ કેવું સુશાસન? શું આ ડબલ એન્જિન સરકારની નિષ્ફળતા નથી? ખેડૂત વિરોધી ભાજપ સરકાર જાણી જોઈને કળત્રિમ અછત ઉભી કરીને કાળા બજારીયાને ફાયદો કરાવી રહી છે.'' ભરતસિંહ સોલંકીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, ‘‘જો ૪૮ કલાકમાં રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી ખેડૂતોના સમર્થનમાં રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે. અન્નદાતાના અધિકાર માટે કોંગ્રેસનો એક-એક કાર્યકર લડશે.''
તેમણે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક માંગ કરી છે કે ડીઝલનો પુરવઠો સામાન્ય કરવામાં આવે, કાળા બજાર પર અંકુશ લાવવામાં આવે અને ખેડૂતોને પ્રાથમિકતાના ધોરણે ડીઝલ મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. સોશિયલ મીડિયા પર તેમનું આ નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને ખેડૂતો દ્વારા તેને સમર્થન મળી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ મામલે શું પગલાં લે છે
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
