<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

ગુજરાતમાં ચોમાસાને લઈ શિક્ષણ વિભાગ એક્શનમાં : વિદ્યાર્થીઓની સલામતી માટે કડક માર્ગદર્શિકા જાહેર : જર્જરિત વર્ગખંડોમાં બેસાડવા પર પ્રતિબંધ, સેફ્ટી ઓડિટ અને ઇમરજન્સી પ્રોટોકોલ ફરજિયાત, DEO-DPEOને સીધી જવાબદારી સોંપાઈ

વરસાદી સિઝનમાં શાળા-હોસ્ટેલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સરકાર સતર્ક, ખુલ્લા વાયર-ખામીયુક્ત અર્થિંગ તાત્કાલિક સુધારવા આદેશ : માત્ર ISI માર્ક વાળા વીજ ઉપકરણો જ વાપરવા સૂચના, ચાલુ બાંધકામ સાઇટ પર ચાર દીવાલ અને ચેતવણી બોર્ડ ફરજિયાત : 100 થી વધુ વિદ્યાર્થી ધરાવતી સંસ્થામાં કાઉન્સેલરની નિમણૂક કરવી પડશે : સુપ્રીમ કોર્ટના આદેશનો પણ અમલ

ગાંધીનગર, તા. 27 : રાજ્યમાં ચોમાસાની સિઝન નજીક આવતાં વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા શિક્ષણ વિભાગે શાળા અને હોસ્ટેલ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે જર્જરિત અને અસુરક્ષિત ઓરડાઓમાં કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને બેસાડવા નહીં. ભયજનક હાલતમાં આવેલા શાળા મકાનો, વર્ગખંડો અને હોસ્ટેલ રૂમ્સમાં બાળકોને ન બેસાડવા માટે તમામ DEO, DPEO અને વહીવટી અધિકારીઓને સીધી જવાબદારી સોંપવામાં આવી છે. તમામ સરકારી શાળાઓ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો અને હોસ્ટેલ્સમાં બાંધકામોની સલામતીની ચકાસણી કરીને સેફ્ટી પ્રમાણપત્ર રજૂ કરવાનું ફરજિયાત કરાયું છે. 

 

વરસાદી પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારો, શાળાની છત અને મેદાનની સમયસર સફાઈ કરવાની રહેશે. વિદ્યુત સલામતી માટે ખુલ્લા વાયરો, ખામીયુક્ત અર્થિંગ અને જોખમી ઇલેક્ટ્રિકલ વ્યવસ્થાઓને તાત્કાલિક સુધારવા આદેશ અપાયો છે. સાથે જ શાળાઓમાં માત્ર ISI માર્ક ધરાવતા વીજ ઉપકરણોનો જ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો રહેશે. ભારે વરસાદ કે પૂર જેવી સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ માટે ઇમરજન્સી પ્રોટોકોલ તૈયાર રાખવા અને શાળાઓમાં ઇમરજન્સી કીટ ઉપલબ્ધ રાખવા જણાવાયું છે.

 

શાળા સંચાલન માટે પણ કડક નિયમો બનાવાયા છે. સંબંધિત સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના શાળા બંધ રાખવી કે કામગીરીમાં ફેરફાર કરી શકાશે નહીં. અતિવૃષ્ટિ કે પૂર જેવી પરિસ્થિતિમાં સ્થાનિક સ્થિતિને ધ્યાને રાખીને જ નિર્ણય લેવાનો રહેશે. શાળા કેમ્પસમાં જો કોઈ બાંધકામ ચાલુ હોય તો તેની ફરતે ચાર દીવાલ લગાવવી ફરજિયાત છે. બાળકો બાંધકામ સાઇટ નજીક ન જાય તે માટે ચેતવણીનાં બોર્ડ લગાડવા પડશે અને કાટમાળ સુરક્ષિત રીતે રાખવો પડશે. 

 

જવાબદારી નિર્ધારણ હેઠળ સ્કૂલ સંચાલકો અને આચાર્યોએ ભયજનક બાંધકામોના ફોટોગ્રાફ ગુગલ મેપના અક્ષાંશ-રેખાંશ સાથે ‘સમગ્ર શિક્ષા’ની જિલ્લા કચેરીએ મોકલવાના રહેશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના આદેશને પગલે 100 કે તેથી વધુ વિદ્યાર્થી ધરાવતી સંસ્થાઓએ કાઉન્સેલર, મનોચિકિત્સક અથવા સામાજિક કાર્યકર નિયુક્ત કરવા પડશે. શિક્ષણ વિભાગે ચોમાસા પહેલા તમામ શાળા-હોસ્ટેલનું સેફ્ટી ઓડિટ ફરજિયાત કર્યું છે.

(2:26 PM IST)