તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
અમદાવાદની નામંકિત શેઠ C.N. વિદ્યાલયમાં શિક્ષણજગત શર્મસાર: શિક્ષકે ધોરણ-૯ના વિદ્યાર્થીને ઉપરાછાપરી ૬ લાફા ઝીંક્યા, સીસીટીવી ફૂટેજ આવતા ખળભળાટ
ક્લાસરૂમમાં અવાજ કરવા જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આક્ષેપ: વાલી ઉગ્ર વિરોધ સાથે DEO કચેરી પહોંચ્યા, તંત્રએ શાળા પ્રશાસન પાસે માગ્યો ખુલાસો

અમદાવાદ : અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા આંબાવાડી સ્થિત વિખ્યાત શેઠ સી.એન. વિદ્યાલયમાં શિક્ષકની નિર્દયતા સામે આવતાં સમગ્ર શિક્ષણજગતમાં ભારે સળવળાટ અને રોષ જોવા મળી રહ્યો છે. શાળામાં ધોરણ-૯માં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીને વર્ગખંડમાં જ શિક્ષકે અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં ઉપરાછાપરી ૬ લાફા ઝીંકી દીધા હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ માનસિક અને શારીરિક ત્રાસની ઘટના બાદ વાલીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે, જેના પગલે શાળા પ્રશાસન અને શિક્ષણ વિભાગ દોડધામમાં આવી ગયું છે.
મળતી વિગતો અનુસાર, આ શરમજનક ઘટના ગત ૧૪ ઓક્ટોબરના રોજ બપોરના સમયે બની હતી. શેઠ સી.એન. વિદ્યાલયના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીએ કોઈ કારણોસર ઉશ્કેરાઈ જઈને ધોરણ-૯ના વિદ્યાર્થીને અન્ય સહાધ્યાયીઓની સામે જ મોં પર એકપછી એક ૬ સણસણતા લાફા મારી દીધા હતા. આટલેથી ન અટકતા, શિક્ષકે વિદ્યાર્થીને વર્ગખંડમાંથી બહાર પણ હાંકી કાઢ્યો હતો. ઘટનાથી ડરી ગયેલા માસુમ વિદ્યાર્થીએ ઘરે પહોંચીને રડતાં રડતાં પોતાના માતા-પિતાને આપવીતી જણાવી હતી.
પોતાના બાળક સાથે શિક્ષકે કરેલા આ ક્રૂર વર્તનની જાણ થતાં જ વાલીઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા અને બાદમાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી ખાતે લેખિત રજૂઆત કરી શિક્ષક સામે કડકમાં કડક કાયદાકીય અને શિસ્તભંગના પગલાં લેવાની ઉગ્ર માગ કરી હતી. દરમિયાન શાળાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં શિક્ષકની આ હિંસક કરતૂત કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ શાળા પ્રશાસને સંબંધિત શિક્ષકને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે, જેમાં શિક્ષકે વિદ્યાર્થી અવાજ કરતો હોવાનું બહાનું રજૂ કર્યું છે.
શાળા પ્રશાસને આ મામલે આંતરિક તપાસ કમિટીની રચના કરી છે, પરંતુ બીજી તરફ વાલી મંડળો અને નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. શાળા જેવા પવિત્ર ધામમાં વિદ્યાર્થી પર હાથ ઉપાડવાની આ પ્રવૃત્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ બુલંદ બની રહી છે, કારણ કે સુપ્રીમ કોર્ટ અને શિક્ષણ બોર્ડના નિયમો મુજબ શાળામાં શારીરિક શિક્ષા (Corporal Punishment) પર સખત મનાઈ ફરમાવવામાં આવેલી છે.
આ સમગ્ર ચકચારભર્યા કિસ્સાને અત્યંત ગંભીરતાથી લઈને અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ શેઠ C.N. વિદ્યાલયને નોટિસ ફટકારી આચાર્ય પાસે સત્તાવાર ઉત્તર માગ્યો છે. આ સાથે જ, ઘટનાની તટસ્થ તપાસ માટે શિક્ષણ નિરીક્ષક (Education Inspector)ને સ્થળ પર મોકલી સમગ્ર મામલે વિસ્તૃત તપાસ રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે.
ડીઇઓ કચેરીના સત્તાવાર વર્તુળો તરફથી જાણવા મળ્યું છે કે શિક્ષણ નિરીક્ષકનો તપાસ અહેવાલ સુપ્રત થયા બાદ દોષિત શિક્ષક વિરુદ્ધ કડક વહીવટી અને નિયમાનુસારના શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર શાળાઓમાં બાળકોની સુરક્ષા અને શિક્ષકોના માનસિક સંતુલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
