<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ગુજરાતમાં ગેરકાયદે ટ્યુશન ક્લાસીસ અને ડમી સ્કૂલોના વધતા જતા નેટવર્ક સામે શિક્ષણવિદોનો આક્રમક મોરચો, શિક્ષણ વ્યવસ્થાની શુદ્ધતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યના રક્ષણ માટે તાત્કાલિક કડક કાર્યવાહીની જોરદાર માંગ : 30 દિવસની અલ્ટિમેટમ, નહીંતર ‘શિક્ષણ બચાવો’ આંદોલન

ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન-ગુજરાતે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને સોંપ્યું આવેદનપત્ર; સરકારી શિક્ષકોની ખાનગી કોચિંગ, વર્ગખંડોનો દુરુપયોગ અને ડે-સ્કૂલ મોડેલ સામે રાજ્યવ્યાપી સર્વે, સ્પેશિયલ તપાસ સમિતિ તથા કડક કાયદાના અમલની કરી રજૂઆત

ગાંધીનગર તા.૧૯ : ગુજરાતમાં શિક્ષણના પાયાને હચમચાવી દેતી ગેરકાયદે ટ્યુશન ક્લાસીસ, ડમી સ્કૂલો અને નિયમવિરુદ્ધ ડે-સ્કૂલ પ્રથાઓ સામે હવે રાજ્યના શિક્ષણવિદો અને શૈક્ષણિક સંગઠનો એકજૂટ થયા છે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન-ગુજરાત, અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના શૈક્ષણિક પ્રતિનિધિઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લેખિત આવેદનપત્ર પાઠવી શિક્ષણક્ષેત્રમાં વ્યાપેલી ગેરરીતિઓ નાબૂદ કરવા કડક પગલાં લેવાની માંગ કરી છે.

 

 

 

સરકારી પગાર લઈને પ્રાઇવેટ કોચિંગ: શિક્ષણ વ્યવસ્થાને ઘુન

 

 

ફેડરેશનના પ્રમુખ દિલીપસિંહ ગોહિલે આક્ષેપ કર્યો કે રાજ્યની અનેક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો સેવા નિયમોનો સ્પષ્ટ ભંગ કરીને ખાનગી ટ્યુશન ક્લાસીસ સંચાલિત કરી રહ્યા છે. સરકારી પગાર અને ભથ્થા મેળવવા છતાં આ શિક્ષકો વર્ગમાં વિદ્યાર્થીઓને પૂરતું ભણાવતા નથી અને તેમને ખાનગી કોચિંગ તરફ વાળવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. રજૂઆતમાં શાળાના માળખા, વર્ગખંડો, લેબ અને અન્ય સરકારી સુવિધાઓનો ટ્યુશન માટે દુરુપયોગ થતો હોવાના પ્રાથમિક પુરાવા પણ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

 

 

 

ડમી સ્કૂલ મોડેલ પરીક્ષા માટે નામ, શિક્ષણ માટે કોચિંગ

 

  

આવેદનપત્રમાં રાજ્યમાં ધમધમતી ડમી સ્કૂલો અને ગેરકાયદેસર ડે-સ્કૂલ મોડેલને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ મોડેલ હેઠળ વિદ્યાર્થીઓ માત્ર બોર્ડ પરીક્ષાઓ અને પ્રેક્ટિકલ માટે શાળામાં નોંધાયેલા રહે છે, જ્યારે દૈનિક શિક્ષણ અને તૈયારી કોચિંગ સેન્ટરોમાં જ કરે છે. ફેડરેશનનું માનવું છે કે આ પ્રથા શિક્ષણના મૂળ હેતુ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ, શિસ્ત અને મૂલ્ય આધારિત શિક્ષણને સીધી અસર કરી રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું-2023 શાળાકીય શિક્ષણને મજબૂત કરવા પર ભાર મૂકે છે, પરંતુ ડમી સ્કૂલો આ સમગ્ર પ્રયાસોને નબળા પાડી રહી છે.

 

 

 

સરકાર સમક્ષ 5 તાત્કાલિક માંગણીઓ રજૂ

 

 

ગેરરીતિઓને ડામવા માટે ફેડરેશને રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક પગલાં લેવા 5 મુખ્ય માંગણીઓ મૂકી છે. સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે ટ્યુશન ક્લાસ અને ડમી સ્કૂલોની ઓળખ માટે વ્યાપક સર્વે હાથ ધરી ડેટાબેઝ તૈયાર કરવામાં આવે. જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી, પોલીસ અધિકારીઓ અને શિક્ષણવિદોની બનેલી વિશેષ સમિતિ દ્વારા જગ્યાએ જઈને તપાસ અને કડક કાર્યવાહી થાય. કેન્દ્ર સરકારની કોચિંગ સેન્ટર રેગ્યુલેશન ગાઈડલાઈન્સના આધારે ગુજરાતમાં કડક કાયદો બનાવીને તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે નિયમોનો ભંગ કરી ટ્યુશન ચલાવતા સરકારી-ગ્રાન્ટેડ શિક્ષકો સામે સસ્પેન્શન, પગાર કપાત અને ક્રિમિનલ કાર્યવાહી જેવા કડક પગલાં લેવામાં આવે. વાલીઓ-વિદ્યાર્થીઓની ફરિયાદો માટે હેલ્પલાઈન નંબર અને ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવે, સાથે ડમી સ્કૂલના ગેરફાયદા વિશે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે.

ફેડરેશનના પ્રમુખ દિલીપસિંહ ગોહિલે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા આગામી 30 દિવસમાં અસરકારક અને નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો રાજ્યભરમાં ‘શિક્ષણ બચાવો અભિયાન’ શરૂ કરવામાં આવશે. આ અભિયાન હેઠળ જનજાગૃતિ કાર્યક્રમો, સેમિનાર અને લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ લડત કોઈ વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ નથી, પરંતુ શિક્ષણ વ્યવસ્થાની પારદર્શિતા, ગુણવત્તા અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યના રક્ષણ માટે છે.

હવે રાજ્ય સરકાર આ ગંભીર રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને ગેરકાયદે ટ્યુશન તથા ડમી સ્કૂલોના માફિયા સામે કેટલા કડક પગલાં ભરે છે તેના પર સમગ્ર શૈક્ષણિક જગત અને વાલીઓની નજર મંડાઈ છે.

(9:24 AM IST)