<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

apk ફાઈલ મોકલી વૃદ્ધનો મોબાઈલ હેક કર્યો, વહેલી સવારે ૧૨ ટ્રાન્‍જેક્‍શનથી પેન્‍શન ખાતું સાફ કરી નાખ્‍યું

બેન્‍ક અધિકારી બની ગઠિયાએ મોબાઈલનો રિમોટ એક્‍સેસ મેળવી ૧૧.૬૪ લાખ ટ્રાન્‍સફર કર્યા - ડેબિટના સતત મેસેજ આવતાં ભાંડો ફૂટ્‍યો, સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ આદરી

અમદાવાદઃ તા.૧૯: કૃષ્‍ણનગરમાં રહેતા  વૃદ્ધને સાયબર ગઠીયાઓએ ટાર્ગેટ કરી તેમની સાથે ૧૧.૬૪ની ઠગાઇ કરી હતી.   બેન્‍ક ઓફ ઈન્‍ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી સાયબર ગઠિયાએ વૃદ્ધને ફોન કર્યો હતો. ત્‍યારબાદ તેમના મોબાઈલમાં બોગસ ‘BOI.apk' ફાઈલ મોકલી ઇન્‍સ્‍ટોલ કરાવી મોબાઈલનો રિમોટ એક્‍સેસ મેળવી લીધો હતો. આ પછી વૃદ્ધની જાણ બહાર તેમના પેન્‍શન એકાઉન્‍ટમાંથી ગણતરીના કલાકોમાં ૧૨ જેટલા ટ્રાન્‍જેક્‍શન મારફતે ૧૧.૬૪ લાખ અજાણ્‍યા ખાતાઓમાં ટ્રાન્‍સફર કરી લેવામાં આવ્‍યા હતા. એકાઉન્‍ટમાંથી રૂપિયા ડેબિટ થયાના સતત મેસેજ આવતા સમગ્ર મામલો સામે આવ્‍યો હતો. ત્‍યારબાદ વૃદ્ધે પુત્ર સાથે બેન્‍કનો સંપર્ક કરી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કૃષ્‍ણનગર વિસ્‍તારમાં રહેતા વસંતભાઈ ભોજુભાઈ મહાલે (૬૭) ગત ૨૦ જુલાઈના રોજ બપોરના સમયે  પોતાનો મોબાઇલ ફોન ચેક કરતા હતા. ત્‍યારે જ તેમના મોબાઈલ પર અજાણ્‍યા નંબર પરથી ફોન આવ્‍યો હતો. ફોન કરનારે પોતે બેન્‍ક ઓફ ઈન્‍ડિયાનો અધિકારી હોવાનું જણાવી વૃદ્ધના બેન્‍ક ખાતા અંગેની વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વસંતભાઈએ પોતાનું પેન્‍શન એકાઉન્‍ટ હોવાનું જણાવતાં બંને વચ્‍ચે અંદાજે એક મિનિટ વાતચીત થઈ હતી. ત્‍યારબાદ સામેવાળાએ ફોન કટ કરી દીધો હતો.

ફોન કટ થયા બાદ સાયબર ગઠિયાએ વૃદ્ધના મોબાઈલ પર ‘BOI.apk' નામની  ફાઈલ મોકલી હતી. આ ફાઈલ ઇન્‍સ્‍ટોલ કરાવ્‍યા બાદ ઠગે મોબાઈલનો રિમોટ એક્‍સેસ મેળવી લીધો હતો. આ રીતે મોબાઈલમાં રહેલી બેન્‍કિંગ સંબંધિત માહિતી અને ઓટીપી સહિતની વિગતો સુધી પહોંચ મેળવી ઠગાઈ માટેનો રસ્‍તો તૈયાર કર્યો હતો.ઙ્કઙ્કબીજા દિવસે વહેલી સવારે વસંતભાઈના મોબાઈલ પર બેન્‍કમાંથી રૂપિયા ઉપડી ગયાના તેમજ ઓટીપી સંબંધિત મેસેજનો મારો શરૂ થયો હતો. ઊંઘમાંથી જાગેલા વસંતભાઈએ તાત્‍કાલિક તેમના પુત્રને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્‍યારબાદ પુત્રએ બેન્‍કિંગ એપ્‍લિકેશન ચેક કરતાં ખાતામાંથી મોટી રકમ ટ્રાન્‍સફર થઈ હોવાનું સામે આવ્‍યું હતું. બેન્‍કિંગ એપ્‍લિકેશનમાં તપાસ કરતાં સામે આવ્‍યું કે રાતોરાત ૧૨ જેટલા ટ્રાન્‍જેક્‍શન મારફતે કુલ રૂ. ૧૧.૬૪ લાખ અજાણ્‍યા ખાતાઓમાં ટ્રાન્‍સફર કરી લેવામાં આવ્‍યા હતા. પોતાના પેન્‍શન એકાઉન્‍ટમાંથી આટલી મોટી રકમ ઉપડી જતાં વૃદ્ધ અને તેમનો પરિવાર ચોંકી ગયો હતો. સમગ્ર ઘટના સામે આવ્‍યા બાદ વસંતભાઈ અને તેમના પુત્ર તાત્‍કાલિક નજીકની બેન્‍ક ઓફ ઈન્‍ડિયાની શાખામાં પહોંચ્‍યા હતા અને બેન્‍ક મેનેજરનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન તેમની સાથે સાયબર ફ્રોડ થયો હોવાનું જણાતાં પિતા-પુત્રએ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો.

 

 

(10:38 AM IST)