તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
ગરમીથી ચૂંટણી પ્રચારને અસરઃ હવે નાની સભાઓ, ગ્રૂપ મીટિંગ્સ, ડોર-ટુ-ડોર સંપર્ક શરૂ
ભાજપે બૂથ કાર્યકર્તા સંમેલનો, વોર્ડમાં નાની બેઠકો અને સોસાયટીઓમાં જઇ સીધો સંપર્ક-સંવાદથી પ્રચાર પર ફોકસ કર્યું : ભાજપને ૨૫૦થી વધારે બેઠકો ચૂંટણી પહેલાં જ બિનહરીફ મળી ગઇઃ ૧૬ એપ્રિલે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર વધુ સ્પષ્ટ થતાં જ પ્રચાર અભિયાનનો બીજો તબક્કો શરૂ થશે

અમદાવાદ,તા.૧૪: ઋતુચક્રના બદલાવથી વારંવાર થતાં હવામાનમાં ફેરફારથી કમોસમી વરસાદનો તબક્કો હવે લગભગ પૂરો થયો છે અને સૂર્યનારાયણ હવે પોતાના રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવી રહ્યા છે એની વચ્ચે ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ગરમાવો હવે ધીમે ધીમે વધ્યો છે. ગરમીના વધતાં પ્રકોપના કારણે રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર માટેના શિડ્યુઅલમાં ફેરફાર કરવા સાથે તેની પધ્ધતિમાં સુધારા કરવા પડ્યા છે. ભાજપે મોટી સભાઓના સ્થાને નાની સભાઓ, ગ્રૂપ મીટિગ્સ, ઘર ઘર સંપર્ક પર ફોકસ કરવાની સૂચનાઓ આપી છે જ્યારે સ્ટાર પ્રચારકોના પ્રવાસ પણ આવી જ રીતે ગોઠવવામાં આવી રહ્યા છે જેથી પ્રચારકો મહત્તમ લોકો, કાર્યકરો સાથે સંવાદ કરી શકે.
વિતેલા સપ્તાહમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી હતી તેની સાથોસાથ ભાજપે તેના સંગઠનને સક્રિય કરી દરેક મતવિસ્તારમાં ઘર સંપર્ક અને ગ્રૂપ મીટિગ્સ શરૂ કરી દીધી હતી, તેમ કહી સૂત્રો કહે છે કે ૧૬ એપ્રિલે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર વધુ સ્પષ્ટ થતાં જ પ્રચાર અભિયાનનો બીજો તબક્કો શરૂ થશે. છેલ્લા ત્રણ દિવસથી ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો કાર્યકર્તા સંમેલનની સાથોસાથ આગેવાનો સાથે બેઠકો યોજી પ્રચાર કરી રહ્યા છે. મંગળવારે પ્રમુખ જામનગર અને દેવભૂમિ દ્વારકા તેમજ મુખ્યમંત્રી બપોર પછી મહેસાણાના પ્રચાર પ્રવાસે જશે. ભાજપ માટે સૌથી મોટી સમસ્યા વિરોધપક્ષ એવા કોંગ્રેસ કે આમઆદમી પાર્ટી નથી, પરંતુ નારાજ જૂથ, ટિકિટ ન મળવાથી અસંતુષ્ઠ આગેવાનો છે. આવા સમુહ, આગેવાનોને મળીને તેમને સમજાવવા માટે પ્રદેશ નેતાઓથી માડીને ધારાસભ્યો સુધીના આગેવાનોને ડેમેજ કન્ટ્રોલની જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં આવી ૨૨થી વધારે બેઠકો સૌરાષ્ટ્રમાં કરવામાં આવી છે.
ગત શનિવારે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે જ ભાજપે કડી નગરપાલિકામાં ૨૩ બેઠકો પર કોંગ્રેસ કે અન્ય પક્ષ, અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ન ભરતાં બિનહરીફ સત્તા મેળવવાનો માર્ગ મોકળો થયો હતો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કડીમાં ભાજપની સત્તા જળવાઇ રહે તેના માટે કરેલા પ્લાનિગના ભાગરૂપે કોઇ ઉમેદવારો સામા પક્ષેથી ફોર્મ ભરવા આગળ આવ્યા ન હતા. આજે ફોર્મ ચકાસણી બાદ આ આંકડો વધીને ૨૫ થયો છે. તો આજે સૌથી મોટો ગોટાળો કહો કે ખેલ, પરંતુ નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોને સમસયસર મેન્ડેટ ન મળતાં ૧૮ ફોર્મ રદ થતાં ભાજપને ૩૬ બેઠકોની પાલિકામાં બિનહરીફ સત્તા મળી ગઇ છે. અહીં ભાજપને કુલ ૨૧ બેઠકો મળી છે. સૌથી નવાઇની વાત એ છે કે પાલિકાની બાકીની બેઠકો પર પણ કોંગ્રેસ કે આપ નહીં, પરંતુ અપક્ષો મેદાનમાં છે.
ઉમેદવારી પત્રો ચકાસણીના દિવસે સંખ્યાબંધ ફોર્મ રદ થયા છે એમાં કોંગ્રેસ, આપ અને અપક્ષો, અન્ય પક્ષોના ઉમેદવારોની સંખ્યા મોટી છે. આને કારણે ભાજપને ૨૫૦થી વધારે બેઠકો ચૂંટણી પહેલાં જ બિનહરીફ મળી ગઇ છે. જોકે, ૧૬ એપ્રિલે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે ત્યારે ભાજપને ચારસો પારનો અંદાજ છે. હાલ જોઇએ નવસારી જિલ્લાની સંસ્થાઓમાંથી સૌથી વધારે ૪૧ બેઠકો બિનહરીફ મળી છે. દાહોદ પાલિકામાં ૩ ભાજપ એક કોંગ્રેસ, શહેરા નગરપાલિકાની ૨૮માંથી ૧૫ બેઠક સાથે બિનહરીફ સત્તા, ઉના પાલિકામાં ૧૨ બેઠક ભાજપને ફાળે, ભૂજ પાલિકામાં એક અને ભચાઉ તાલુકામાં ૨ બેઠકો ભાજપને મળી છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
