<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

ગુજરાતની રાજ્યસભાની ૦૪ ખાલી પડનારી બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર : ૨૧ જૂને સભ્યોની મુદત પૂર્ણ થશે

૧ જૂનના રોજ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરાશે : ૧૮ જૂને મતદાન અને તે જ દિવસે સાંજે ૫ વાગ્યે મતગણતરી હાથ ધરાશે

ગાંધીનગર:ગુજરાત રાજ્યમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના ચાર સભ્યોની બેઠકોની મુદત આગામી તારીખ ૨૧ જૂન ૨૦૨૬ના રોજ પૂર્ણ થઈ રહી છે. આ ખાલી પડનારી ચાર મહત્વની બેઠકો ભરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીનો સત્તાવાર અને વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ ચાર સભ્યોની મુદત પૂર્ણ થઈ રહી છે

રાજ્યસભાના જે ચાર સભ્યોની મુદત આગામી ૨૧.૦૬.૨૦૨૬ના રોજ પૂર્ણ થઈ રહી છે, તેમાં રામભાઈ હરજીભાઈ મોકરીયા, અમીન નરહરી હીરાભાઈ, ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજી અને સુશ્રી રમીલા બેચરભાઈ બારાનો સમાવેશ થાય છે. આ સભ્યો નિવૃત્ત થવાના હોવાથી ખાલી પડનારી બેઠકો માટે નવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જાણો શું છે ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર સમયપત્રક અનુસાર, આ ચૂંટણી માટેનું જાહેરનામું ૦૧.૦૬.૨૦૨૬ (સોમવાર) ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૦૮.૦૬.૨૦૨૬ (સોમવાર) રહેશે. ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી (Scrutiny) ૦૯.૦૬.2૦૨૬ (મંગળવાર) ના રોજ હાથ ધરાશે અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૧૧.૦૬.૨૦૨૬ (ગુરૂવાર) નિયત કરવામાં આવી છે.

૧૮ જૂને મતદાન અને પરિણામ

જો જરૂર જણાશે તો આ બેઠકો માટે ૧૮.૦૬.૨૦૨૬ (ગુરૂવાર) ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યાથી લઈને સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે એટલે કે ૧૮ જૂને જ સાંજે ૦૫:૦૦ વાગ્યે મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની આખરી તારીખ ૨૨.૦૬.૨૦૨૬ (સોમવાર) રહેશે.

આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરાયેલા કડક દિશાનિર્દેશો અનુસાર સંપૂર્ણ પારદર્શક, ન્યાયી અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તમામ જરૂરી વહીવટી સજ્જતા અને આગોતરું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે.

(6:18 PM IST)