તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 30th June 2026
વીજળીની માગ ઐતિહાસિક ૨૯ હજાર મેગાવોટની સપાટીએ
વીજમાગના બધા જ રેકર્ડના ભૂક્કા બોલી ગયા : ગરમી-ઉકળાટની પરાકાષ્ઠાથી જરૂરિયાત એકાએક વધી

અમદાવાદ,તા.૩૦: ગુજરાતમાં વીજળીની માગએ અત્યાર સુધીના બધા જ રેકર્ડના ભૂક્કા બોલાવી દીધાં છે. સોમવારે રાજ્યમાં પીક સમયમાં વીજળીની માગ ૨૯ હજાર મેગાવોટે પહોંચતાં રાજ્યનો ઊર્જા વિભાગ પણ ચોંકી ગયો છે. ગત વર્ષે ઉનાળામાં વીજળીની મહત્તમ માગ એક વખત ૨૬,૬૦૦ મેગાવોટ જેટલી પહોંચી હતી, જે ગત વર્ષની અને રાજ્યની તત્સમયની સૌથી વધુ વીજમાગ હતી. એ પછી ગત અઠવાડિયે એક દિવસ વીજળીની માગ ૨૭ હજાર મેગાવોટ આસપાસ રહી હતી. હવે એ રેકર્ડ પણ તૂટી નવો ઈતિહાસ રચાયો છે. ગરમી અને ઉકળાટ ચરમસીમાએ પહોંચતા વીજળીની ખપત વધી છે. જો કે વીજળીની માગ રેકોર્ડબ્રેક સ્ટેજ ઉપર પહોંચી હોવા છતાં વીજ સપ્લાય કાબૂમાં હોવાનું જણાવાઈ રહ્યું છે. સોમવારે પીક સમયમાં માત્ર ૭૦૦ મેગાવોટ વીજળી જ પાવર એક્સ્ચેન્જમાંથી મેળવવી પડી હતી.
સોલાર એકમોનું ઉત્પાદન અને સેન્ટ્રલ સેક્ટર યાને ભારત સરકારના ઉપક્રમ જેવા એનટીપીસી દ્વારા હિસ્સો મોટા પ્રમાણમાં મળી રહ્યો હોઈ પરિસ્થિતિ કાબૂમાં છે. સોમવારે સેન્ટ્રલ સેક્ટરમાંથી રાજ્યને ૯ હજાર મેગાવોટ જેટલી વીજળી મળી હતી, સોલાર એકમો તથા વિન્ડ એકમોનું જનરેશન અનુક્રમે ૭ હજાર મેગાવોટ અને ૪ હજાર મેગાવોટ જેટલું રહ્યું હતું. રાજ્ય સરકારની માલિકીના પાવર મથકોનું વીજ જનરેશન જીસેક કંપની મારફતે અત્યારે એકંદરે સારા પ્રમાણમાં પ્રાપ્ત થઈ રહ્યું છે. સોમવારે જીસેક દ્વારા ૪ હજાર મેગાવોટ જેટલી વીજળી મળી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોમવારે અદાણી તરફથી ૧,૩૦૦ મેગાવોટ, તાતાની કંપની કોસ્ટલ ગુજરાત પાવર કંપની તરફથી ૧ હજાર મેગાવોટ તથા એસ્સાર પાસેથી ૮૦૦ મેગાવોટ જેટલી મળી હતી.
આ સૂત્રો એવું કહે છે કે સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદની ખેંચને કારણે ખેડૂતોનું વાવેતર બચાવવા સરેરાશ ૧૦૦ મિલિયન યુનિટ વીજળી અપાઈ રહી છે. સોમવારે ૧૦૫ મિલિયન યુનિટ વીજળી કૃષિક્ષેત્રને ફાળવવામાં આવી હતી, જે પ્રમાણ મેગાવોટમાં જોઈએ તો ૧૦,૫૦૦ મેગાવોટ જેટલું છે
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
