<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનો એલિવેટેડ રોડ બંધ : વાહનોના પાર્કિંગની વ્યવસ્થામાં ફેરફાર

મુસાફરોએ હવે સાઉથ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનો ઉપયોગ કરવો પડશે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને ધ્યાને રાખીને મુસાફરોની અવરજવર અને વાહનોના પાર્કિંગની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન પરિસરમાં આવેલો એલિવેટેડ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. આ રોડની બાજુમાં અગાઉ ઉપલબ્ધ પાર્કિંગની સુવિધા હવે સાઉથ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (South MMTH) ખાતે ખસેડવામાં આવી છે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે સ્ટેશન પરિસરમાં આવેલા એલિવેટેડ રોડને બંધ કરવામાં આવ્યો છે. આ રોડ બંધ રાખવાનું મુખ્ય કારણ નોર્થ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનું (North MMTH) નિર્માણ કાર્ય છે. એલિવેટેડ રોડની બાજુમાં અગાઉ વાહનો માટે ઉપલબ્ધ પાર્કિંગની વ્યવસ્થા પણ ખસેડવામાં આવી છે. હવે મુસાફરો અને વાહનચાલકોએ પાર્કિંગ માટે સાઉથ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનો (South MMTH) ઉપયોગ કરવાનો રહેશે.

કાળુપુર રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો અને વાહન માલિકોને નવી પાર્કિગ વ્યવસ્થાનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ ચાલુ હોવાથી મુસાફરોને વાહન પાર્ક કરવા માટે સાઉથ MMTH તરફ જવું પડશે. નોર્થ MMTH નું નિર્માણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્ટેશન પરિસરની અવરજવર અને પાર્કિંગ વ્યવસ્થામાં ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરોએ આયોજન કરવું જરૂરી છે.

બીજી તરફ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં જખવાડા અને વિરોચનનગર સ્ટેશન વચ્ચે આવેલું સાચાણા રેલવે લેવલ ક્રોસિંગ સમારકામ અને જાળવણીના કામ માટે બંધ રાખવામાં આવશે. આ ક્રોસિંગ 24 નવેમ્બરના રોજ સવારે 8:00 વાગ્યાથી 29 નવેમ્બરના રોજ રાત્રે 8:00 વાગ્યા સુધી બંધ રહેશે.

સાચાણા રેલવે ક્રોસિંગ બંધ રહેવાના સમયગાળા દરમિયાન વાહનચાલકોની અવરજવર માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.

(12:35 AM IST)