News of Saturday, 23rd May 2026
વડોદરાના ગોત્રી સ્થિત દેવદીપ હોસ્પિટલમાં લિફ્ટ બીજા માળેથી અચાનક ધડાકાભેર તૂટી પડી, ડોક્ટર ગંભીર રીતે ઘાયલ
હોસ્પિટલમાં સારવાર માટે આવેલા ડોક્ટર લિફ્ટમાં હતા સવાર, કેબલ તૂટતા સર્જાયો અકસ્માત: બુમાબુમ થતા દોડધામ, ઘાયલ ડોક્ટરને ICUમાં ખસેડાયા, તંત્ર દ્વારા તપાસ શરૂ

વડોદરા, તા. 23 : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી દેવદીપ હોસ્પિટલમાં આજે સવારે લિફ્ટ તૂટી પડવાની ગંભીર ઘટના બની હતી. હોસ્પિટલની લિફ્ટ બીજા માળેથી અચાનક ધડાકાભેર નીચે પટકાતા તેમાં સવાર એક ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર સવારે લિફ્ટમાં બીજા માળે જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક લિફ્ટનો કેબલ તૂટી જતા લિફ્ટ સીધી ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી. ધડાકાના અવાજ સાથે લિફ્ટ તૂટતા હોસ્પિટલમાં ભારે દોડધામ અને બુમાબુમ મચી ગઈ હતી.
અકસ્માતમાં લિફ્ટમાં સવાર ડોક્ટરને માથા અને કરોડરજ્જુના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક તેમને બહાર કાઢી સારવાર શરૂ કરી હતી. હાલ ઘાયલ ડોક્ટરને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં લિફ્ટની નિયમિત જાળવણીમાં બેદરકારી અથવા ટેકનિકલ ખામીના કારણે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને પગલે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. દર્દીઓ અને તેમના સગાઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા લિફ્ટની મંજૂરી અને મેન્ટેનન્સ રેકોર્ડની ચકાસણી શરૂ કરવામાં આવી છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
