<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

દાહોદના ભથવાડા ટોલ પ્લાઝા પર ટોલ બાબતે તકરાર બાદ કર્મચારી પર કાર ચડાવવાના કેસમાં પોલીસે બંને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયો :પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા:કારની ટક્કરથી કર્મચારી ઈજાગ્રસ્ત:પોલીસ કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો

દાહોદના ભથવાડા ટોલનાકા પર ટોલ બાબતે થયેલી તકરાર બાદ ટોલ કર્મચારી પર કાર ચડાવી દેવાના ચકચારી મામલામાં પીપલોદ પોલીસે તપાસ તેજ કરી છે. કેસમાં ઝડપાયેલા બંને આરોપીઓ શહેબાઝ અલી અને ફેઝાનઅલી મકરાણીને પોલીસે સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને આરોપીઓને ભથવાડા ટોલ પ્લાઝા પર લાવવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર બનાવ કેવી રીતે બન્યો તેની વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ટોલ પ્લાઝા પર કયા સ્થળે તકરાર થઈ, કાર કઈ દિશામાંથી આવી અને ટોલ કર્મચારીને કેવી રીતે ટક્કર મારી તે અંગે સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાને લગતા જરૂરી પુરાવા પણ એકત્ર કર્યા હતા. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ દ્વારા ઘટનાક્રમની કડીઓ જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક વિગતો પ્રમાણે ટોલ ભરવા સહિતના મુદ્દે આરોપીઓ અને ટોલ કર્મચારી વચ્ચે તકરાર થઈ હતી. આ તકરાર ઉગ્ર બન્યા બાદ આરોપીઓએ કથિત રીતે ટોલ કર્મચારી તરફ કાર હંકારી હતી. કારની જોરદાર ટક્કર લાગતાં કર્મચારી હવામાં ફંગોળાઈ ગયો હતો અને તેને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને ટોલ પ્લાઝા પર પણ ચકચાર મચી ગઈ હતી.

આ કેસમાં પીપલોદ પોલીસે શહેબાઝ અલી અને ફેઝાનઅલી મકરાણીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવી પોલીસે તપાસમાં મહત્વની કડીઓ મેળવવાનો પ્રયાસ કર્યો છે. પોલીસની આ કાર્યવાહીથી જાહેર સ્થળે કાયદો હાથમાં લેનારા અને અસામાજિક તત્વોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(7:51 PM IST)