<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

અમદાવાદના નિકોલમાં હોન્ડાના શોરૂમમાંથી જ કર્મચારીઓએ 29 એક્ટિવા બારોબાર વેચી દીધા !!

નોકરીની સાથે સાથે 'શોર્ટ કટ'થી રૂપિયા કમાવવાની લાલચમાં ત્રણ ગઠિયાઓએ પોતાના જ માલિકને લાખોનો ચૂનો લગાવ્યો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં નોકરીની સાથે સાથે 'શોર્ટ કટ'થી રૂપિયા કમાવવાની લાલચમાં ત્રણ ગઠિયાઓએ પોતાના જ માલિકને લાખોનો ચૂનો લગાવ્યો છે. નિકોલના એક હોન્ડા શોરૂમના ગોડાઉનમાંથી 29 એક્ટિવા અને 2 બાઈક ચોરી થવાની ઘટનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી શાહિદ શેખ આ જ કંપનીના ગોડાઉનમાં કામ કરતો હતો. જ્યારે પણ ગોડાઉનથી શોરૂમ પર વાહનો લઈ જવાના હોય, ત્યારે શાહિદ નજર ચૂકવીને એક કે બે એક્ટિવા વધુ કાઢી લેતો હતો. આ એક્ટિવા તે તેના મિત્ર દિગુરાજ રાઠોડને માત્ર 25 થી 30 હજાર રૂપિયામાં આપી દેતો હતો. દિગુરાજ આ વાહનોને ધંધુકા, માંડલ અને વિરમગામ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં 35 થી 40 હજારમાં વેચી દેતો હતો. આ કામમાં ગોડાઉનમાં કામ કરતો એક કિશોર પણ તેમને મદદ કરતો હતો.

 

આરોપીઓ બહુ ચાલાકીથી મોટાભાગે બ્લેક કલરના એક્ટિવા જ ચોરતા હતા, કારણ કે ગોડાઉનમાં બ્લેક વાહનોની સંખ્યા વધુ હોવાથી કોઈનું ધ્યાન ન જાય. છેલ્લા ત્રણ મહિનાથી ચાલતો આ ખેલ ત્યારે ખતમ થયો જ્યારે કંપનીના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં વાહનોની સંખ્યા ઓછી માલૂમ પડી. નિકોલ પોલીસે ગુનો નોંધી ઝોન-5 સ્ક્વોડની મદદથી 26 એક્ટિવા કબજે કર્યા છે અને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

(8:08 PM IST)