<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

સાબરમતી નદી ખાલી કરવાનું શરૂઃ વાસણા ડેમના દરવાજા રિપેર કરાશે

ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવા લક્ષ્યાંક

અમદાવાદ તા.૧૫: શહેરની મધ્‍યમાંથી પસાર થતી સાબરમતી નદી આગામી દિવસોમાં ખાલી જોવા મળશે.વાસણા બેરેજના જર્જરિત દરવાજાઓના સમારકામ માટે તંત્ર દ્વારા નદી ખાલી કરવાની અગાઉ જાહેરાત કરાઈ હતી. તેના ભાગરૂપે વાસણા ડેમના ૯ કરોડના ખર્ચે ૧૮ દરવાજાના રિપેરિંગ માટે બુધવાર સાંજ સુધીમાં સાબરમતી નદી ખાલી કરવામાં આવશે. નદીમાં હાલ ૨ મિલિયન કયુબિક મીટર પાણીનો જથ્‍થો છે. જેમાંથી ડેમના ૩૦ દરવાજા પૈકી ૮ દરવાજા ખુલ્લા કરીને પ્રતિ સેકન્‍ડ ૩૦૦૦ કયુસેક પાણી છોડાતા રિવરફન્‍ટ જળવિહોણી થશે.

ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ કરવાનો ૬૦ દિવસનો લક્ષ્યાંક છે. સમય વધુ જવાની શકયતા વ્‍યક્‍ત કરાઈ છે. સાથે સાથે નદીના પટમાંથી કચરાના નિકાલ માટેની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે,અગાઉ ૦૧ એપ્રિલથી નદી ખાલી કરવાની હોવાથી ૨૬ મી માર્ચે ઉપરવાસમાંથી પાણી બંધ કરાયું હતું.

ફતેહવાડી કેનાલના ખેડૂતોને પાણી આપવાનું હોવાથી હવે ૧૪મી એપ્રિલથી નદી ખાલી કરવાનું શરૂ કરાયું છે. હાલ સાબરમતી નદીમાં અંદાજે ૨ મિલિયન કયુબિક મીટર પાણીનો જથ્‍થો છે.આ જથ્‍થાને ખાલી કરવા માટે ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્‍યા છે. જેમાંથી પ્રતિ સેકન્‍ડ ૩ હજાર કયુસેક પાણી છોડાઈ રહ્યું છે.

(3:45 PM IST)