News of Thursday, 30th July 2026
અમદાવાદમાં પાર્કિંગની સમસ્યાનો અંત: ૧૬૦ લોકેશન ગુગલ મેપ સાથે લિંક થતા ફ્રી પાર્કિંગ કરનાર કોમર્શિયલ એકમોને પ્રોપર્ટી ટેક્સમાં મળશે ૧૦૦ ટકા રાહત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોની સુવિધા માટે ૧૬૦ મહત્વના પાર્કિંગ પ્લોટ્સને ગૂગલ મેપ અને ‘અમડાપાર્ક’ એપ સાથે જોડીને ડિજિટલ ક્રાંતિ લાવવામાં આવી

અમદાવાદ, : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સ્માર્ટ સિટી મિશન અને ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત શહેરના નાગરિકોને ટ્રાફિક જામ અને પાર્કિંગની ભારે મુશ્કેલીમાંથી કાયમ માટે મુક્તિ અપાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં એએમસી દ્વારા અમદાવાદ શહેરના આશરે ૧૬૦ જેટલા મહત્વના જાહેર પાર્કિંગ લોકેશન્સને સત્તાવાર રીતે ગૂગલ મેપ સાથે લિંક કરી દેવામાં આવ્યા છે, જેનાથી હવે વાહનચાલકો એક જ ક્લિકમાં નજીકના પાર્કિંગ પ્લોટનું સચોટ લોકેશન અને ત્યાં પહોંચવાનો સૌથી ટૂંકો રસ્તો સરળતાથી મેળવી શકશે.
આ નવીનતમ ડિજિટલ પહેલ હેઠળ પે એન્ડ પાર્ક તરીકે કાર્યરત પબ્લિક પાર્કિંગ પ્લોટ્સ, મલ્ટીલેવલ કાર પાર્કિંગ બિલ્ડિંગ્સ, સ્માર્ટ પાર્કિંગ તેમજ વિવિધ ઓન-સ્ટ્રીટ પાર્કિંગ સ્થળોને સીધા ગુગલ મેપ પર ઉપલબ્ધ કરાવાયા છે. આ વ્યવસ્થા અમલી બનવાથી માત્ર સ્થાનિક અમદાવાદીઓ જ નહીં પરંતુ બહારથી આવતા વાહનચાલકોને પણ રસ્તાઓ પર આડેધડ વાહનો પાર્ક કરવાની સમસ્યામાંથી છુટકારો મળશે, તેમજ પાર્કિંગ શોધવામાં થતા કિંમતી સમય અને ઈંધણના બગાડ પર પણ બ્રેક લાગશે.
આ સમગ્ર વ્યવસ્થાને વધુ વેગ આપવા માટે એએમસી દ્વારા પોતાની અધિકૃત ‘અમડાપાર્ક’ (AmdaPark) એપ્લિકેશન સાથે પણ આ સુવિધાનું સફળ ઇન્ટિગ્રેશન કરી દેવામાં આવ્યું છે, જેના માધ્યમથી નાગરિકો પાર્કિંગ લોકેશનની વિગતવાર માહિતી મેળવવા ઉપરાંત રિયલ-ટાઇમ પાર્કિંગ સ્લોટની ઉપલબ્ધતા ચકાસી શકે છે અને એડવાન્સ બુકિંગ તથા ડિજિટલ પેમેન્ટ જેવી આધુનિક સુવિધાઓનો પણ ભરપૂર લાભ લઈ શકે છે.
શહેરમાં પાર્કિંગ સ્પેસની સતત વધતી જતી માંગને પહોંચી વળવા માટે કોર્પોરેશન દ્વારા એક ખાસ પ્રોત્સાહક નીતિની પણ જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત જે કોમર્શિયલ એકમો જેવા કે શોપિંગ મોલ, હોસ્પિટલ, મલ્ટીપ્લેક્સ અને હોટેલ્સ નાગરિકોને સંપૂર્ણપણે ફ્રી પાર્કિંગ સુવિધા પૂરી પાડશે, તેમને તેમના પાર્કિંગ વિસ્તાર પૂરતો પ્રોપર્ટી ટેક્સમાં પૂરેપૂરો ૧૦૦ ટકા વેરામાફીનો વિશેષ લાભ આપવામાં આવશે.
આ ઉપરાંત, જે ખાનગી મિલકત માલિકો કે કોમર્શિયલ એકમો ટેક્સ રાહત લેવાને બદલે પોતાના પ્લોટમાં નિયમિત પાર્કિંગ ચાર્જ વસૂલવા ઈચ્છતા હોય તેમના માટે પણ અમડાપાર્ક એપ પર રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેથી તેઓ એએમસી દ્વારા નક્કી કરાયેલી મહત્તમ દર મર્યાદામાં રહીને જ ફી વસૂલ કરી શકે અને ખાનગી પાર્કિંગ ક્ષેત્રે એકરૂપતા તથા પારદર્શિતા જળવાઈ રહે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
