News of Saturday, 21st November 2026
ધરતી અને પ્રકૃતિ-પયારવણનું સંવર્ધન કરવું એ ઈશ્વરની સૌથી શ્રેષ્ઠ પૂજા : ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં નડિયાદના યોગીફાર્મમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત સૌ ખેડુતો, માસ્ટર ટ્રેનર્સ, કૃષિ સખીઓ સહિત સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને ખેડા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો મહત્તમ વ્યાપ વધારવા કરી અપીલ : ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના પ્રવાસે રાજ્યપાલ

અમદાવાદ તા.૨૧ : ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના પ્રવાસે આવેલ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોગીફાર્મ, નડિયાદ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. જેમાં, ખેડા જિલ્લાના ખેડુતોને પ્રાકૃતિક ખેતીના વિભિન્ન લાભથી માહિતગાર કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરાયા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચેના સ્પષ્ટ ભેદ રજૂ કરીને કઈ રીતે પ્રાકૃતિક ખેતી વધુ લાભદાયી અને સ્વાસ્થપ્રદ છે તેની સવિસ્તૃત સમજણ ખેડૂતોને આપી હતી. તેમણે હરીત ક્રાંતિના સમયથી આજ દિન સુધી જમીનમાં થયેલ ઓર્ગેનિક કાર્બનના પ્રમાણના ઘટાડાની વાત કરી હતી. આજે મહદઅંશે જમીનમાં રહેલા ૦.૫ % ઓર્ગેનિક કાર્બનને તેમણે ચિંતાજનક ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે રાસાયણિક ખેતીમાં નાઈટ્રોજનની વધુ પડતી જરૂરીયાત જમીનમાં રહેલા અળસિયા અને સુક્ષ્મજીવાણુંઓ માટે પ્રાણધાતક સાબિત થાય છે, જેનાથી જમીન દિન પ્રતિદિન બંજર બનતી જાય છે.
રાજ્યપાલશ્રીએ તેમના હરીયાણા સ્થિત ગુરુકુળ કુરુક્ષેત્ર પ્રાકૃતિક ફાર્મના અનુભવો પ્રકટ કરી પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ જમીનની ગુણવત્તા અને ખેત ઉત્પાદનમાં આવેલ અભૂતપુર્વ સકારાત્મક પરીવર્તનની વાત જણાવી હતી.
ખેડા-આણંદના ચરોતર તરીકે સુવિખ્યાત વિસ્તારમાં આજે ભૂમિગત જળમાં થતા ઝડપી ઘટાડા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે ખેતીમાં બેફામ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન, પાણી, હવા પ્રદૂષિત બની છે અને સમગ્ર માનવ સ્વાસ્થ્ય માટે જોખમ ઉભુ થયુ છે. રાસાયણિક ખેતીથી ઉત્પાદિત થતા ખેત-પેદાશોના નિરંતર ઉપયોગને કારણે આજે કેન્સર, હ્રદય રોગ, બીપી અને ડાયાબિટીસ જેવા રોગોનું પ્રચલન વધ્યુ છે. જો પ્રાકૃતિક ખેતી ઝડપથી નહીં અપનાવવામાં આવે તો ભવિષ્યની પેઢી માટે કુદરતી સંશાધનો લુપ્ત થઈ જશે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આજે વિશ્વ સમક્ષ પ્રસ્તુત જળવાયુ સંકટનો સામનો કરવો પ્રત્યેક દેશ માટે જટિલ બન્યુ છે.
ત્યારે ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીથી ખેડુતોની સાથે સાથે સમગ્ર દેશનું અર્થતંત્ર મજબુત અને સમૃદ્ધ બનશે. રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને સફળ બનાવવા ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ખેડુતોના સહકારની અપીલ કરી હતી.
રાજ્યપાલશ્રીએ ખેડા જિલ્લાના ખેડુતોના પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન અને ખેત પેદાશોના વેચાણને વધારવાના ઉપાયો પણ સુચવ્યા હતા.
રાજ્યપાલશ્રીના 51મા ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના માધ્યમથી ખેડા જિલ્લાના ખેડુતોને રાજ્યપાલશ્રીના પ્રેરણાદાયી વક્તવ્ય અને માર્ગદર્શનનો પ્રત્યક્ષ લાભ મળ્યો હતો. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌ ખેડુતો, માસ્ટર ટ્રેનર્સ, કૃષિ સખીઓ તથા સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને ખેડા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જરૂરી તમામ પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.
આ અવસરે જિલ્લાના વિવિધ પ્રગતિશીલ ખેડુતો દ્વારા તેમની પ્રાકૃતિક કૃષિ ઉપજોના સ્ટોલનુ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતુ. જેની રાજ્યપાલશ્રીએ મુલાકાત લઈ પ્રત્યેક સ્ટોલ ધારક ખેડુત સાથે સંવાદ કર્યો હતો. તેમણે આ સ્ટોલમાં હયાત ચીજ વસ્તુઓ અને ખેતપેદાશોની ગુણવત્તાની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી અને ખેડુતોને સીધો પ્રશ્ન કર્યો હતો કે શું ખરેખર જમીની સ્તર પર પ્રાકૃતિક ખેતી ખેડુતો માટે લાભદાયક બની છે કે નહિ? જેના જવાબમાં ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ તેમની ખેત-ઉપજમાં આવેલ વધારા અને ખેતીના ખર્ચના ઘટાડાની વાત રજૂ કરી હતી.
આ અવસરે ખેડા જિલ્લાની પ્રાકૃતિક કૃષિનો ચિતાર આપતા જિલ્લા કલેક્ટરશ્રી એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે હાલ ખેડા જિલ્લામાં ૮૫૫૦ થી વધુ ખેડુતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. જિલ્લામાં કુલ ૨૯૦ જેટલા મોડેલ ફાર્મમાં ખેડુતોને પ્રાકૃતિક કૃષિની સતત તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. સાથે જ પ્રાકૃતિક કૃષિની ખેત-પેદાશના વેચાણને પ્રોત્સાહન આપવા માટે જિલ્લામાં ૧૨ વેચાણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. દેશી ગાય નિભાવ પોષણ યોજના અંતર્ગત જિલ્લાના ૫,૧૦૦ થી વધુ લાભાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યો છે. જેમાં, વર્ષ ૨૦૨૬-૨૭માં જિલ્લામાં ૨,૦૪૦ લાભાર્થીને પ્રથમ હપ્તા પેટે ૧.૧૦ કરોડનું ચુકવણું કરવામાં આવેલ છે.
આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં નડિયાદના મેયર મનીષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હિતેશકુમાર તડવી, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર, આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એમ.પી.પટેલ, જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય, કમિશનર કિરણભાઈ ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જોગીયા, અધિક કલેકટર જે.બી.દેસાઈ સહિત મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, પશુપાલકો, ૭૨ સરપંચશ્રીઓ, પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ સખી બહેનો, માસ્ટર ટ્રેનર્સ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
