તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
"બસ હવે બહુ થયું" - સાયબર માફિયાઓના ઇન્ટરનેશનલ નેટવર્ક વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત આકરા પાણીએ : એક્શન પ્લાન સાથે મેદાને
શ્રી ગેહલોતના નેતૃત્વમાં અડાજણ ICAI ભવન ખાતે યોજાઈ સાયબર મીટ : બેંક મેનેજર્સ, ટેલિકોમ નોડલ ઓફિસર્સ અને પીઆઈ સ્ટાફની ઉપસ્થિતિમાં સાયબર ક્રાઇમ સામે એલાને જંગ : છેતરપિંડી રોકવા બ્લુપ્રિન્ટ તૈયાર

સુરત : સુરત શહેરમાં ફોરેન કરન્સી એક્સચેન્જ, બિટકોઈન, શેરબજાર અને ડિજિટલ અરેસ્ટના નામે થતી લાખો-કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીની ગંભીર ઘટનાઓને અટકાવવા માટે પોલીસ પ્રશાસને કમર કસી છે. સાયબર માફિયાઓના આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય નેટવર્કને જડમૂળથી નેસ્તનાબૂદ કરવાના મક્કમ આશયથી સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના સીધા નેતૃત્વમાં એક વિશાળ અને અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. "બસ હવે બહુ થયું" ના સ્પષ્ટ અને આકરા વલણ સાથે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે સાયબર માફિયાઓના આંતરરાષ્ટ્રીય નેટવર્ક વિરુદ્ધ એક ચોક્કસ રણનીતિ ઘડી કાઢીને સાયબર ક્રાઇમ સામે ઓપન એલાને જંગ જાહેર કર્યો છે.
અડાજણના ICAI ભવન ખાતે યોજાઈ હાઈલેવલ સાયબર મીટ:
શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા આઈસીએઆઈ (ICAI) ભવન ખાતે આ ખાસ સાયબર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉચ્ચ સ્તરીય બેઠકની સૌથી મોટી અને મહત્વની બાબત એ રહી કે તેમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ સાયબર ગુનાઓને ટ્રેક કરવામાં સૌથી મજબૂત કડીરૂપ બનતી વિવિધ અગ્રણી બેંકોના મેનેજર્સ અને અગ્રણી મોબાઈલ ટેલિકોમ કંપનીઓના નોડલ ઓફિસર્સ પણ ખાસ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને સાયબર સેલનો સમગ્ર સ્ટાફ પણ આ રણનીતિનો હિસ્સો બનવા માટે હાજર રહ્યો હતો.
સાયબર ગુનેગારોને દબોચવા માટે એક્શન ઓરિએન્ટેડ બ્લુપ્રિન્ટ તૈયાર:
આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન કલાકો સુધી ચાલેલી વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે, સાયબર માફિયાઓ સામે તાત્કાલિક અને ઘાતક પગલાં ભરવા માટે એક એક્શન ઓરિએન્ટેડ બ્લુપ્રિન્ટ (યોજના) તૈયાર કરવામાં આવી છે. આ નવતર પ્લાન અંતર્ગત જ્યારે પણ કોઈ નિર્દોષ નાગરિક સાથે સાયબર ફ્રોડ થાય, ત્યારે જે-તે બેંકો ગુનો આચરવામાં આવ્યો હોય તેવા શંકાસ્પદ એકાઉન્ટને ત્વરિત ધોરણે ફ્રીઝ કરી દેશે, જેથી ભોગ બનનાર નાગરિકના પૈસા આગળ ટ્રાન્સફર થતા અટકી શકે. આ સાથે જ, ગુનામાં વપરાતા બોગસ સિમકાર્ડ અને ફેક આઈડી આઈડેન્ટિફિકેશનને શોધી કાઢવા માટે મોબાઈલ કંપનીઓ પોલીસ વિભાગને રિયલ-ટાઇમ ડેટા પૂરો પાડી મદદ કરશે, જેનાથી ગુનેગારો સુધી ઝડપથી પહોંચી શકાશે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
