<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

વલસાડ જિલ્લામાં નદી-તળાવ સહિત તમામ જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ

ચોમાસામાં અકસ્માતો અટકાવવા જાહેરનામું અમલમાં, ભંગ કરનાર સામે પોલીસ કરશે કાયદેસરની કાર્યવાહી

 વલસાડ: ચોમાસાની ઋતુ દરમિયાન નદી, તળાવ, નહેર, દરિયા અને અન્ય જળાશયોમાં ડૂબી જવાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા તંત્રએ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ જિલ્લાના તમામ જળાશયોમાં કોઈપણ વ્યક્તિ કે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ, ભારે વરસાદને કારણે નદી-નાળા, કોતરો, તળાવો, સરોવરો, નહેરો, ચેકડેમ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે. આવી સ્થિતિમાં પિકનિક સ્પોટ પર ભેગા થઈ સેલ્ફી લેવા, નહાવા અથવા તરવા ઉતરવાથી જીવલેણ અકસ્માતો સર્જાવાની શક્યતા વધી જાય છે. ઉપરાંત ભારે વરસાદ દરમિયાન કોઝ-વે અને નદી-નાળા પાર કરતી વખતે લોકો તણાઈ જવાના બનાવો પણ નોંધાયા છે.
જાહેરનામા મુજબ નદી-નાળા, કોતરો, ઓવારા, તળાવ, સરોવર, કોઝ-વે, નહેર અને ચેકડેમ પરથી પસાર થવું નહીં, જળાશયોમાં નહાવા કે તરવા ઉતરવું નહીં તેમજ જોખમી પિકનિક સ્પોટ પર મોબાઇલ કે કેમેરાથી સેલ્ફી લેવાનું ટાળવાની તાકીદ કરવામાં આવી છે. પશુધનને નીચાણવાળા વિસ્તારોમાં ચરાવવા કે પાણીમાંથી પસાર કરવાનું પણ મનાઈ કરવામાં આવી છે.
જિલ્લા તંત્રએ પોલીસ વિભાગને જોખમી પિકનિક સ્થળોએ નિયમિત પેટ્રોલિંગ કરવા સૂચના આપી છે. સાથે જ ભારે વરસાદ દરમિયાન તમામ તલાટીઓને પોતાના ગામના હેડક્વાર્ટર ખાતે ફરજિયાત હાજર રહી તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સતત સંપર્કમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને જાહેરનામાનું પાલન કરી પોતાની અને પરિવારની સુરક્ષા જાળવવા અપીલ કરી છે

(1:46 PM IST)