તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
અમદાવાદના હીટ એક્શન પ્લાનમાંથી હવે યુરોપ શીખશે ગરમીથી બચવાના ઉપાયો
૨૦૧૦ની કાળઝાળ ગરમીમાં ૧૩૦૦ લોકોના મોત બાદ બનાવાયેલા : યુરોપમાં આ વર્ષે પડેલી તીવ્ર ગરમી બાદ અમદાવાદના મોડેલમાં નિષ્ણાતોનો રસ વધ્યોઃ પ્રાગ ખાતે યોજાનારા ક્લારા સમર સ્કૂલ ઓન ક્લાઇમેટ ચેન્જ એન્ડ હેલ્થમાં એક્શન પ્લાન રજૂ કરવામાં આવશે

અમદાવાદ તા.૨: અમદાવાદમાં ૨૦૧૦ની કાળઝાળ ગરમીમાં થયેલા ૧,૩૦૦થી વધુ વધારાના મૃત્યુ બાદ તૈયાર કરવામાં આવેલો શહેરનું હીટ એક્શન પ્લાન (HAP) હવે યુરોપના શહેરો માટે પણ માર્ગદર્શક મોડેલ બની રહ્યો છે. ગરમીની આગોતરી ચેતવણી, વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંકલન અને લોકોમાં જાગૃતિ જેવા ઓછા ખર્ચના પગલાંથી હજારો લોકોના જીવ બચાવ્યાનું માનવામાં આવતા આ પ્લાનનો પ્રાગમાં અભ્યાસ કરવામાં આવશે.
અમદાવાદનો આ હીટ એક્શન પ્લાન ૩થી ૯ સપ્ટેમ્બર દરમિયાન ચેક યુનિવર્સિટી ઓફ લાઇફ સાયન્સિસ (CZU), પ્રાગ ખાતે યોજાનારા ક્લારા સમર સ્કૂલ ઓન ક્લાઇમેટ ચેન્જ એન્ડ હેલ્થમાં રજૂ કરવામાં આવશે. યુરોપમાં આ વર્ષે પડેલી તીવ્ર ગરમીની લહેરો બાદ અમદાવાદના મોડેલમાં યુરોપિયન નિષ્ણાતોનો રસ વધ્યો છે.
અમદાવાદમાં ૨૦૧૦ના ઉનાળામાં તમામ કારણોથી થયેલા ૧,૩૦૦થી વધુ વધારાના મૃત્યુએ નિષ્ણાતોને આ દિશામાં વિચારવા મજબૂર કર્યા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર (IIPH-G) સહિતના નિષ્ણાતોએ દક્ષિણ એશિયાનો પ્રથમ વ્યાપક હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.
આ પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ર સંસ્થાઓ સાથે મળીને ૨૦૧૩માં શરૂ કરવામાં આવ્યો હતો. તેમાં ગરમી અંગે આગોતરી ચેતવણી અને લોકોને યોગ્ય સમયે માહિતી પહોંચાડવા માટે વ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. બાદમાં આ મોડેલને ભારતના અન્ય શહેરોમાં પણ અપનાવવામાં આવ્યો હતો અને સ્થાનિક જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો.
યુરોપમાં આ મોડેલ અંગેનો રસ આ વર્ષે ખંડમાં પડેલી ભારે ગરમીની લહેરો બાદ વધ્યો છે. યુરોપના અનેક વિસ્તારોમાં તાપમાન વિક્રમજનક સ્તરે પહોંચ્યું હતું. તેના પગલે જર્મની, ફ્રાન્સ, સ્પેન અને બ્રિટનમાં ગરમીને કારણે હજારો વધારાના મૃત્યુ થયાના અહેવાલો સામે આવ્યા હતા. આ સ્થિતિએ નીતિ ઘડનારાઓ અને જાહેર આરોગ્ય સંસ્થાઓને ગરમી સામેની પરંપરાગત પદ્ધતિઓથી આગળ વિચારવા પ્રેર્યા છે.
IIPH-Gના પ્રોફેસર મહાવીર ગોલેચ્છા પ્રાગમાં યોજાનારી આ સમર સ્કૂલમાં ભાગ લેશે. તેઓ અતિશય ગરમીની અસરો પર વાત કરશે. તેમનું સંબોધન ‘ઇન્ડિયાઝ હીટ એક્શન પ્લાનઃ અ સક્સેસફુલ પબ્લિક હેલ્થ પોલિસી ફોર એક્સ્ટ્રીમ હીટ ઇન ધ ગ્લોબલ સાઉથ' વિષય પર રહેશે.
પ્રોફેસર ગોલેચ્છાએ જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ અને રાજકોટ શહેરોમાં હીટવેવને પ્રાથમિકતા આપવા માટે કરવામાં આવેલા પ્રયાસો પર પ્રકાશ પાડશે. તેમાં અસરકારક આગોતરી ચેતવણી પ્રણાલી, વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન અને શાસન વ્યવસ્થા, મોટા પાયે સામુદાયિક જાગૃતિ તેમજ અતિશય ગરમી સામે કરવામાં આવેલી સામુદાયિક પહેલનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું હતું કે ગુજરાત અને ભારત પાસેથી મળતા એવા પાઠ પર ખાસ ભાર મૂકવામાં આવશે, જે યુરોપિયન શહેરોને અતિશય ગરમીના કારણે થતી બીમારી અને મૃત્યુના વધારાના કેસ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પ્રાગમાં યોજાનારી ચર્ચામાં ડેટા આધારિત નિર્ણય પ્રક્રિયા, કુદરત આધારિત ઉકેલો, પર્યાવરણ આધારિત આપત્તિ જોખમ ઘટાડવાના ઉપાયો, આબોહવા પરિવર્તન સામે ટકી શકે તેવી આરોગ્ય વ્યવસ્થા માટે વધુ સારી માળખાકીય સુવિધાઓ અને વિવિધ પગલાંની ખર્ચ-અસરકારકતાનું વિશ્લેષણ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.
નિષ્ણાતોનું માનવું છે કે આ ક્ષેત્રોમાં ભારત દ્વારા અપનાવવામાં આવેલા કેટલાક અભિગમો વ્યવહારુ અને મોટા પાયે અમલમાં મૂકી શકાય તેવા છે. ત્ત્ભ્ણ્-ઞ્ના અધિકારીઓના જણાવ્યા મુજબ, ભારતની સૌથી મોટી તાકાત ઓછા ખર્ચે અમલમાં મૂકી શકાય તેવા ઉપાયોમાં છે. બીજી તરફ, યુરોપમાં ઉપલબ્ધ ટેકનોલોજી અને સમુદાય સ્તરની વ્યૂહરચનાઓ આવા પ્રયાસોને વધુ મજબૂત બનાવી શકે છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
