તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
પતિના અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પત્ની બીજા લગ્ન કરે તો પણ વળતર મેળવવાનો અધિકાર સમાપ્ત થતો નથી: ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો
માત્ર પુનઃલગ્નના આધારે વળતરનો દાવો નકારી શકાય નહીં: પંચમહાલના કમલેશ પટેલિયાના અકસ્માત મૃત્યુના કેસમાં હાઈકોર્ટે વીમા કંપનીની અપીલ ફગાવી

અમદાવાદ :ગુજરાત હાઈકોર્ટે અકસ્માત વળતરને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પતિના અકસ્માતમાં મૃત્યુ બાદ પત્ની પુનઃલગ્ન કરે તો પણ અકસ્માત વળતર મેળવવાનો તેનો કાયદેસર હક સમાપ્ત થતો નથી. માત્ર બીજા લગ્નના આધારે પત્નીનો વળતરનો દાવો નકારી શકાય નહીં.
આ કેસ પંચમહાલ જિલ્લાના રિંચ્છવાણી ગામ નજીક બનેલી અકસ્માતની ઘટનાને લગતો છે. 4 ફેબ્રુઆરી, 2009ના રોજ ટ્રકની ટક્કરથી કમલેશ પટેલિયાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેમની પત્ની કમલાબેને મોટર અકસ્માત વળતર ટ્રિબ્યુનલ સમક્ષ વળતર મેળવવા માટે દાવો કર્યો હતો.
મોટર અકસ્માત વળતર ટ્રિબ્યુનલે 29 સપ્ટેમ્બર, 2017ના રોજ કમલાબેનના પક્ષમાં વળતર મંજૂર કર્યું હતું. જોકે, આ નિર્ણય સામે વીમા કંપનીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. વીમા કંપનીએ દલીલ કરી હતી કે કમલાબેને બીજા લગ્ન કર્યા હોવાથી તેમને વળતર મળવું જોઈએ નહીં.
ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીની દલીલ ફગાવી દીધી હતી. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી કે પુનઃલગ્ન કરવાથી અકસ્માત વળતર મેળવવાનો કાયદેસર અધિકાર સમાપ્ત થતો નથી. એટલે કે, પતિના અકસ્માતમાં મૃત્યુ બાદ પત્ની બીજા લગ્ન કરે તો પણ માત્ર આ કારણસર તેનો વળતરનો દાવો નકારી શકાય નહીં. આ ચુકાદાથી અકસ્માતમાં પરિવારના સભ્યને ગુમાવનાર પત્નીના વળતરના કાયદેસર અધિકાર અંગે મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા થઈ છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
