<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

વરસાદે વિરામ લીધો છતાં ધોળકામાં જળબંબાકાર સ્થિતિ યથાવત:સ્થાનિકોમાં ભારે રોષ

શહેરની અનેક સોસાયટીઓમાં ચાર દિવસ બાદ પણ પાણી ઓસર્યું નથી:રહેવાસીઓને ભારે હાલાકી: દુકાનોમાં પાણી ઘુસતા વેપારીઓને ભારે નુકશાન

અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં ભારે વરસાદ બાદ વરસાદે વિરામ લીધો હોવા છતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે. શહેરની અનેક સોસાયટીઓમાં ચાર દિવસ બાદ પણ પાણી ઓસર્યું નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરોની આસપાસ તેમજ આંતરિક રસ્તાઓ પર હજુ પણ પાણી ભરાયેલા હોવાથી લોકોના દૈનિક જીવન પર ગંભીર અસર પડી છે. બાળકો, વૃદ્ધો અને કામકાજ માટે બહાર જતાં લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ બંધ થયા બાદ પણ પાણીના નિકાલની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી.

ધોળકાના કલિકુંડ વિસ્તારમાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતાં વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દુકાનોના બેસમેન્ટ અને અંદરના ભાગમાં પાણી ભરાઈ જવાથી માલસામાન બગડી ગયો છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનું વેપારીઓ જણાવી રહ્યા છે. વરસાદ બંધ થતાં વેપારીઓ પોતાની દુકાનો સાફ કરવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં વ્યસ્ત બન્યા છે. અનેક સ્થળોએ ટ્રેક્ટર પંપ અને અન્ય સાધનોની મદદથી બેસમેન્ટમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, હજુ પણ કેટલીક દુકાનો અને વેપારી વિસ્તારોમાં પાણી યથાવત હોવાથી વેપારીઓની ચિંતા યથાવત છે.

ભારે વરસાદને ચાર દિવસ વીતી ગયા હોવા છતાં ધોળકાની અનેક નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયેલા રહેતાં સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓનું કહેવું છે કે સમયસર પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હોત તો આજે આ સ્થિતિ સર્જાઈ ન હોત. પાણી ભરાઈ રહેતાં સ્વચ્છતા, આરોગ્ય અને મચ્છરોના ઉપદ્રવ જેવી સમસ્યાઓ પણ વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સતત પાણી ભરાયેલા રહેવાથી અનેક પરિવારોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે અને સામાન્ય જનજીવન હજુ પણ પ્રભાવિત છે.

શહેરમાં સર્જાયેલી પરિસ્થિતિને લઈને સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ વહીવટી તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. લોકોનો આક્ષેપ છે કે વરસાદ બંધ થયા પછી પણ પાણીના ઝડપી નિકાલ માટે પૂરતી કામગીરી કરવામાં આવી નથી. અસરગ્રસ્તોએ તંત્ર પાસે પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા ઉભી કરવા, ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો કરવા અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું લાંબા ગાળાનું સમાધાન લાવવાની માંગ કરી છે. વેપારીઓએ નુકસાનનું સર્વેક્ષણ કરીને યોગ્ય સહાય અને વળતરની પણ માંગ કરી છે. હાલ ધોળકામાં વરસાદ બંધ હોવા છતાં પાણીની સમસ્યા અને લોકોની મુશ્કેલીઓ યથાવત રહેતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

(7:20 PM IST)