તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
રોજ ૪૩થી ૪૪ જેટલા લોકો પેરાલિસિસની બીમારીનો શિકાર
સ્ટ્રોક-પેરાલિસિસની ઈમરજન્સીમાં ૨૬.૭૧%નો વધારો : મોરબીમાં સ્ટ્રોકના કેસમાં ૨૧૭ ટકા જેટલો ગંભીર ઉછાળો

અમદાવાદ,તા.૦૬: ગુજરાતમાં સ્ટ્રોક- પેરાલિસિસના ઈમરજન્સી કેસમાં ૨૬.૭૧ ટકાનો વધારો થયો છે, ગત વર્ષ જાન્યુઆરીથી જુન ૨૦૨૫ એમ છ મહિનામાં સ્ટ્રોક- પેરાલિસિસના ૬૨૮૫ ઈમરજન્સી કોલ્સ નોંધાયા હતા, જ્યારે વર્ષ ૨૦૨૬માં જાન્યુઆરીથી જુન મહિનામાં નવા ૭૯૬૪ કેસ આવ્યા છે. આ આંકડા માત્ર ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળેલા છે, આ સિવાય સ્ટ્રોકના અન્ય કેસનો આંકડો મોટો હોઈ શકે છે. ૨.૮૧ ટકાના વધારા સાથે આ વખતે અમદાવાદમાં છ મહિનામાં સ્ટ્રોકના ૧૭૫૯ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં સ્ટ્રોકના કેસમાં ૨૧૭ ટકા જેટલો વધારો થયો છે, ગત વર્ષે છ માસમાં ૪૦ કેસ હતા, આ વખતે નવા ૧૨૭ કોલ્સ નોંધાયા છે.
આ તરફ તબીબોનું કહેવું છે કે, એક સમયે વયોવૃદ્ધોમાં જોવા મળતી આ બીમારીના કેસ હવે યુવાનોમાં પણ જોવા મળી રહી છે. સ્ટ્રોક માટેના કારણોમાં ડાયાબિટિસ, બ્લડ પ્રેશર, ધુમપાન-આલ્કોહોલનું સેવન, સ્ટ્રેસ વગેરે બાબત સામેલ છે. શરીરના અંગોમાં નબળાઈ લાગે, મોંનો ભાગ વાંકો થાય, બોલતી વખતે તકલીફ, આંખોમાં ઝાંખપ જેવા લક્ષણોને નજરઅંદાજ ન કરવા જોઈએ. સ્ટ્રોક આવ્યા પછી પ્રથમ એક કલાક ખૂબ મહત્વના હોય છે. ઝડપી સારવારને પગલે વહેલા સાજા થવાની શક્યતા વધી જાય છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૪માં ગુજરાતમાં પેરાલિસિસની બીમારીથી કંટાળીને ૬૪ દર્દીઓને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે, જે પૈકી ૪૮ પુરુષ અને ૧૬ મહિલા દર્દીનો સમાવેશ થાય છે.
સ્ટ્રોક-પેરાલિસિસના ક્યાં કેટલા કેસ
જિલ્લો જાન્યુ.થી જૂન ૨૦૨૫ જાન્યુ.થી જૂન ૨૦૨૬
અમદાવાદ ૭૧૧ ૧૭૫૯
સુરત ૬૭૯ ૭૮૪
વડોદરા ૪૨૫ ૪૨૧
રાજકોટ ૩૬૩ ૪૬૯
ભાવનગર ૩૨૯ ૪૩૧
જુનાગઢ ૨૨૬ ૩૧૭
મોરબી ૪૦ ૧૨૭
વલસાડ ૧૪૧ ૨૦૫
ગાંધીનગર ૧૮૬ ૨૩૮
જામનગર ૧૮૯ ૨૨૨
કચ્છ ૧૨૬ ૨૩૪
ખેડા ૧૨૮ ૨૦૬
મહેસાણા ૧૨૫ ૧૯૪
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
