<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

અમદાવાદના પશ્ચિમ વિસ્તારના પોશ સોસાયટી-કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલી મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈકને નિશાન બનાવી માત્ર 100 રૂપિયાના ડિસમીસથી સેકન્ડોમાં લોક તોડી લાખોના વાહનો ગાયબ કરતી આંતરરાજ્ય રાજસ્થાની ગેંગનો ઝોન-1 LCBએ પર્દાફાશ કર્યો : 3 શખ્સો ઝડપાયા

ગર્લફ્રેન્ડની મોંઘી ફરમાઈશ, શોપિંગ, ગિફ્ટ અને અંગત મોજશોખ પૂરા કરવા ડિલિવરી બોય અને હાઉસકીપિંગ સ્ટાફ બન્યા રીઢા વાહનચોર, ગુજરાત યુનિવર્સિટી-સોલા-હાઈકોર્ટ વિસ્તાર હતા સોફ્ટ ટાર્ગેટ, 12 લાખના 13 સ્પોર્ટ્સ બાઈક કબજે, 3 ફરાર આરોપીઓની શોધખોળ તેજ

અમદાવાદ, તા. 6 : અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈકની ઉઠાંતરીથી તરખાટ મચાવતી આંતરરાજ્ય રાજસ્થાની ગેંગનો ઝોન-1 LCB સ્કવોડે પર્દાફાશ કર્યો છે. આ કોઈ રીઢા ગુનેગારો નથી પણ ગર્લફ્રેન્ડની મોંઘી ફરમાઈશ, શોપિંગ, ગિફ્ટ અને પોતાના મોજશોખ પૂરા કરવા માટે બાઈક ચોરીના રવાડે ચડેલા ડિલિવરી બોય અને હાઉસકીપિંગ સ્ટાફ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 

LCB ઝોન-1ની ટીમે ડિલિવરી બોય તરીકે કામ કરતા સુનીલકુમાર ગરાસિયા - મૂળ સિરોહી, રાજસ્થાન અને કૈલાશ ઉર્ફે રોકી પુંજીલાલ રોત - મૂળ ડુંગરપુર, રાજસ્થાન તેમજ હાઉસકીપિંગનું કામ કરતા વિજેશ ઉર્ફે વિજ્જુ દેવીલાલ નનોમાં - મૂળ ડુંગરપુર, રાજસ્થાનની ધરપકડ કરી છે. જ્યારે તેમના સાગરીતો થાવરા ઉર્ફે થાવો હંસારામ ગરાસીયા, વિકાસ કુમાર કેસરા રામ ગરાસીયા અને પ્રવીણ - ત્રણેય મૂળ સિરોહી, રાજસ્થાનના હજુ ફરાર છે. પોલીસે આરોપીઓ પાસેથી 13 લાખ રૂપિયાની કિંમતના 12 સ્પોર્ટ્સ બાઈક કબજે કરી વાહન ચોરીના 12 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

ઝોન-1ના DCP ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું કે પશ્ચિમ અમદાવાદમાંથી સતત બાઈક ચોરીની ફરિયાદો મળતા LCBની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, ડમ્પ ડેટા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. આરોપીઓની પૂછપરછમાં સામે આવેલી મોડસ ઓપરેન્ડી આ મુજબ છે.

 મુખ્ય આરોપી સુનીલકુમાર ગુજરાત યુનિવર્સિટી, સોલા, હાઈકોર્ટ અને સાબરમતી જેવા વિસ્તારોમાં જ્યાં 4-5 કલાક સુધી બાઈક પાર્ક રહેતા હોય તેવી જગ્યાઓની રેકી કરતો હતો. રેકી પૂરી થયા બાદ તે રાજસ્થાનથી તેના સાગરીતોને અમદાવાદ બોલાવતો અને તેઓ થલતેજમાં કૈલાશના ઘરે રોકાતા હતા. આરોપીઓ ખાસ પ્રકારના ડિસમીસ - સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ કરીને ગણતરીની સેકન્ડોમાં બાઈકનું હેન્ડલ લોક તોડીને રફુચક્કર થઈ જતા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ છેલ્લા પાંચ મહિનાથી વાહન ચોરીના રવાડે ચડ્યા હતા. પકડાયેલા એક આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, તેણે પોતાની ગર્લફ્રેન્ડને મોંઘી ગિફ્ટ આપવા, શોપિંગ કરાવવા અને તેના ખર્ચા પૂરા કરવા માટે બાઈક ચોરીનું નેટવર્ક શરૂ કર્યું હતું. તેઓ જાણીજોઈને માત્ર મોંઘી સ્પોર્ટ્સ બાઈક જ ચોરતા હતા કારણ કે બજારમાં તેની રિસેલ વેલ્યુ વધુ મળે છે. તેઓ આ તમામ બાઈક રાજસ્થાનમાં અડધી કિંમતે વેચીને રોકડી કરવાની પેરવીમાં હતા, પરંતુ તે પહેલા જ એલસીબીની ટીમે ત્રાટકીને તેમનો ખેલ ખતમ કરી નાખ્યો હતો.

 

ફરાર ત્રણ આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આ ગેંગનું સમગ્ર નેટવર્ક ખોલવા માટે વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે

(2:35 PM IST)