News of Friday, 15th May 2026
સાંસદો, ધારાસભ્યો સરકારી, અધિકારીઓને ફાળવાતા પ્લોટનો દસ્તાવેજ કરવાની મુદતમાં વધારો
વેંચાણ મંજુરી બાદ દસ્તાવેજ ૯ મહિનામાં કરાવી શકાશે

(અશ્વીન વ્યાસ દ્વારા) ગાંધીનગર વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧પ : ગાંધીનગર ખાતે સંસદસભ્ય/ ધારાસભ્ય, સરકારી અધિકારી/કર્મચારી તેમજ અસરગ્રસ્તોને રાહતદરે ફાળવેલ પ્લોટ(બાંધકામ સહિત)ની વેચાણ અંગેની મંજુરી વિભાગ કક્ષાએથી આપવામાં આવે છે. ત્યારબાદ કલેક્ટરશ્રીની કચેરીએથી પ્રીમિયમ આનુષાંગિક હુકમો કરવામાં આવે છે, જે સંદર્ભે અરજદારશ્રી દ્વારા પ્રીમિયમની રકમ ભરપાઈ કરવામાં આવે અને તેની પહોંચ રજૂ કરે ત્યારબાદ કલેક્ટરથીની કચેરીએથી વેચાણના વિગતવાર હુકમ દિન-૧૫ માં કરવાના હોય છે. બાદમાં અરજદારે કલેકટર કચેરી દ્વારા વેચાણ અંગેના વિગતવાર હુકમો કરવામાં આવે તે તારીખથી ૧(એક) માસમાં પ્લોટ વેચાણનો દસ્તાવેજ કરવાનો હોય છે. પરંતુ વેચાણ મંજૂરી બાદ વેચાણ દસ્તાવેજ કરવા માટેનો સમયગાળો ખુબ જ ઓછો હોઈ વહિવટી પ્રક્રિયાના સરળીકરણના હેતુથી સદર સમયગાળામાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
માર્ગ મકાન વિભાગના પરિપત્રમાં જણાવાયા મુજબ સરકારશ્રી કક્ષાએથી પુખ્ત વિચારણાના અંતે, વેચાણ દસ્તાવેજ કરવામાં થતા વિલંબના કારણો તેમજ નાગરિકોને પડતી હાલાકી ધ્યાને લઈ નાગરિકોની સુવિધા વધારવા તથા વહીવટી પ્રક્રિયાના સરળીકરણના હેતુને લક્ષમાં લઈ વેચાણ મંજૂરી બાદ વેચાણ દસ્તાવેજ કરવાનો સમયગાળો નીચે મુજબ ૧(એક) માસથી વધારી ૯ (નવ) માસ કરવાનું આથી ઠરાવવામાં આવે છે.
(૧) જે કેસોમાં પ્રીમિયમ વસૂલ કરવા પાત્ર હોય તેવા કેસોમાં
અરજદાર દ્વારા પ્રીમિયમની રકમ ભરપાઈ કરવામાં આવે ત્યારબાદ કલેક્ટર કચેરી દ્વારા દિન-૩૦ માં વેચાણ મંજૂરીના વિગતવાર હુકમ કરવામાં આવે તે તારીખથી ૯ (નવ) માસમાં વેચાણ દસ્તાવેજ કરીને કલેકટરશ્રીને જાણ કરવાની રહેશે.
અરજદાર દ્વારા પ્રીમિયમની રકમ ભરપાઇ કરવામાં આવે ત્યારબાદ કલેક્ટર કચેરી દ્વારા દિન-૩૦ માં વેચાણ મંજૂરીના વિગતવાર હુકમ ન કરવામાં આવે તો પ્રીમિયમની રકમ ભર્યા તારીખથી દિન-૩૦ પછીની તારીખથી ૯ (નવ) માસમાં વેચાણ દસ્તાવેજ કરીને કલેકટરશ્રીને જાણ કરવાની રહેશે.
(૨) જે કેસોમાં પ્રીમિયમ શન્યાવસુલ કરવા પાત્ર ન હોય) હોય તેવા કેસોમાં
સરકારશ્રી કક્ષાએથી વેચાણ મંજૂરી મળ્યા બાદ કલેક્ટર કચેરી દ્વારા દિન-૩૦ માં વેચાણ મંજૂરીના વિગતવાર હુકમ કરવામાં આવે તે તારીખથી ૯(નવ) માસમાં વેચાણ દસ્તાવેજ કરીને અરજદારશ્રી દ્વારા કલેકટરશ્રીને જાણ કરવાની રહેશે.
સરકારશ્રી કક્ષાએથી વેચાણ મંજૂરી મળ્યા બાદ જો કલેક્ટર કચેરી દ્વારા વેચાણ મંજૂરીના વિગતવાર હુકમ ન કરવામાં આવે તો સરકારશ્રી કક્ષાએથી વેચાણ મંજૂરી મળ્યા તારીખથી ૯ (નવ) માસમાં વેચાણ દસ્તાવેજ કરીને અરજદારશ્રી દ્વારા કલેકટરશ્રીને જાણ કરવાની રહેશે. તેમ ઉપસચિવ ભરતસિંહ ચાવડાની સહીથી પ્રસિધ્ધ થયેલ હુકમમાં જણાવાયુ઼ છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
