<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

અમદાવાદમાં મહોરમના પરંપરાગત તાજિયા સરઘસને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં વ્યાપક ફેરફાર: કોટ વિસ્તારના ૧૫થી વધુ વ્યસ્ત માર્ગો બપોરે ૨ વાગ્યાથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન જતા મુસાફરો માટે પોલીસની વિશેષ એડવાઈઝરી

​શાહપુર, મિર્ઝાપુર, કાલુપુર, ખામસા અને રીલીફ રોડ સહિતના રૂટ પરથી પસાર થનારા વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ: રીવરફ્રન્ટ ઈસ્ટ રોડ પર ‘નો વ્હીકલ ઝોન’ જાહેર, કોટ વિસ્તારમાં દોડતી બીઆરટીએસ-એએમટીએસ બસોના રૂટ પણ ડાયવર્ટ કરાયા

​ગાંધીનગર/અમદાવાદ: મહોરમના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદ શહેરમાં કાઢવામાં આવનારા પરંપરાગત તાજિયાના ભવ્ય સરઘસને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આવતીકાલે શુક્રવારે બપોરે ૨:૦૦ વાગ્યાથી મધ્યરાત્રિ સુધી શહેરના કોટ વિસ્તાર અને પૂર્વ અમદાવાદના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ મોટા ફેરફારોને કારણે સામાન્ય જનતા, નોકરીયાતો તેમજ ખાસ કરીને કાલુપુર રેલવે સ્ટેશન અને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જતા મુસાફરોને ભારે હાલાકી ન ભોગવવી પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વહેલા નીકળવાની અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. તાજિયાના રૂટ પર આવતા બીઆરટીએસ (BRTS) અને એએમટીએસ (AMTS) ના રૂટમાં પણ વ્યાપક ફેરફાર કરી દેવામાં આવ્યા છે.

​ટ્રાફિક પોલીસ વિભાગના સત્તાવાર જાહેરનામા અનુસાર, તાજિયાના રૂટ અને તેની આસપાસના વિસ્તારોને ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં તાજિયાના વિસર્જનની પ્રક્રિયા હાથ ધરાનાર હોવાથી નહેરૂ બ્રિજ અને એલિસબ્રિજ નજીક આવેલા રીવરફ્રન્ટ ઈસ્ટ રોડને સંપૂર્ણપણે ‘નો વ્હીકલ ઝોન’ તરીકે જાહેર કરાયો છે. ટ્રાફિક જામની સ્થિતિને નિવારવા માટે પોલીસ દ્વારા વધારાનો સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવશે.

​આ મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે બંધ રહેશે:

​દિલ્હી ચકલાથી મિર્ઝાપુર થઈને ઢાલની પોલ તરફ જતો માર્ગ.
​શાહપુર દરવાજાથી મિર્ઝાપુર ચોક સુધીનો રસ્તો.
​રેવડી બજારથી રીલીફ રોડ ચાર રસ્તા સુધીનો સંપૂર્ણ માર્ગ.
​જમાલપુર દરવાજાથી ખામસા ચાર રસ્તા અને રાયખડથી ખામસા તરફ જતો રસ્તો.
​સારંગપુર સર્કલથી આસ્ટોડિયા દરવાજા થઈને ખામસા સુધીનો માર્ગ.
​નહેરૂ બ્રિજથી રૂપાલી સિનેમા અને કામા હોટેલથી ખાનપુર દરવાજા તરફનો રસ્તો.
​રાખિયાલ ચાર રસ્તાથી શારદાપીઠ આઈટીઆઈ થઈને ચાર તોડા કબરસ્તાન સુધીનો માર્ગ.
​વિક્ટોરિયા ગાર્ડનથી ઈટાલિયન બેકરી અને મ્યુનિસિપલ કોઠાથી દાણાપીઠ ચાર રસ્તા.
​ખામસા ચોકીથી પારસી અગીયારી અને જિલ્લા પંચાયતથી ભદ્ર સુધીનો વિસ્તાર.
​વીજળીઘર ચાર રસ્તાથી ભદ્ર, રીલીફ રોડ ચાર રસ્તાથી ખાસ બજાર અને પાનકોર નાકાથી ભદ્ર સુધીનો માર્ગ.
​વાહનચાલકો માટે જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગો:

​ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફથી આવીને ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ કે કાંકરિયા તરફ જતા વાહનો આશ્રમ રોડ, પાલડી ચાર રસ્તા, જમાલપુર ઓવરબ્રિજ અને ભુલાભાઈ ચાર રસ્તાવાળા માર્ગનો ઉપયોગ કરી શકશે.
​કાલુપુર રેલવે સ્ટેશન તરફ આવવા-જવા માટે વાહનચાલકો દિલ્હી દરવાજા અને પ્રેમ દરવાજાવાળા રૂટનો આશરો લઈ શકશે.
​ગોમતીપુર અને પૂર્વ વિસ્તારના લોકો ખોખરા બ્રિજ તેમજ સરદાર બ્રિજ થઈને પશ્ચિમ વિસ્તારમાં અવરજવર કરી શકશે.
​મુસાફરો માટે મહત્વની સત્તાવાર સૂચના:

તાજિયાના ભવ્ય સરઘસમાં લાખોની જનમેદની ઉમટવાની શક્યતા હોવાથી સાબરમતી નદીના પૂર્વ કિનારાના વિસ્તારો તેમજ આશ્રમ રોડ પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર પ્રમાણમાં વધી શકે છે. આથી, રેલવે સ્ટેશન કે એરપોર્ટ જનારા તમામ મુસાફરોને નિર્ધારિત સમય કરતાં ૧ થી ૨ કલાક વહેલા નીકળવા માટે જણાવાયું છે. આ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

(7:30 PM IST)