<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

અમદાવાદના નવરંગપુરામાં રેપિડોથી પાર્સલ મોકલ્યા બાદ IT એન્જિનિયર યુવતીનું ફેક આઈડી બનાવી હેરાનગતિ

ભાડાના ચુકવણા બાબતે ડિલિવરી બોય સાથે થયેલી રકઝક બાદ યુવતી સાયબર બુલિંગનો ભોગ બની: સાયબર બુલિંગ કરાયું. ₹77 હજાર અને આઈફોન માંગતા નોંધાઈ ફરિયાદ.

અમદાવાદ :ઓનલાઈન પાર્સલ ડિલિવરી સર્વિસનો ઉપયોગ કરતી વખતે જાગૃત રહેવા જેવો એક કિસ્સો શહેરના નવરંગપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં રહેતી એક આઈટી એન્જિનિયર યુવતીને રેપિડો એપ્લિકેશન દ્વારા પાર્સલ મોકલ્યા બાદ કડવો અનુભવ થયો છે. ભાડાના ચુકવણા બાબતે ડિલિવરી બોય સાથે થયેલી રકઝક બાદ યુવતી સાયબર બુલિંગનો ભોગ બની છે. અજાણ્યા શખસે યુવતીના નામે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને અશ્લીલ લખાણો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 77 હજાર રોકડા અને આઈફોનની માંગણી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

 

 

 

ઘટનાની વિગત મુજબ, ગત 23 મેના રોજ યુવતીએ રેપિડો એપ મારફતે એક પાર્સલ મોકલ્યું હતું અને તેના ભાડા પેટે રૂ.77 ગૂગલ પે દ્વારા ચૂકવી આપ્યા હતા. જોકે, ડિલિવરી બોયે પૈસા ન મળ્યા હોવાનું કહીને યુવતીના ઘરે પહોંચી જઈ ગેરવર્તણૂક કરી હતી. યુવતીએ પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવ્યો હોવા છતાં ડિલિવરી બોયે તકરાર ચાલુ રાખતા આખરે યુવતીએ તેની સામે રેપિડો કંપનીમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

કંપનીમાં થયેલી ફરિયાદનો ખાર રાખીને 26 મેથી યુવતીના મોબાઈલ પર વિવિધ કંપનીઓના ઓટીપી (OTP) મેસેજનો મારો શરૂ થયો હતો. આટલું જ નહીં, યુવતી જે ઓફિસમાં કામ કરતી હતી તેના બિઝનેસ ફોર્મમાં તેની અંગત વિગતો સાથે અશ્લીલ શબ્દો ઉમેરીને સબમિટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવતીના નામે ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં તેના ફોટા મૂકીને અશ્લીલ સ્ટોરીઓ શેર કરવામાં આવી હતી.

જ્યારે યુવતીએ તે ફેક આઈડી પર મેસેજ કરીને આ બધું બંધ કરવા કહ્યું, ત્યારે સામે વાળી વ્યક્તિએ માફી માંગવાની સાથે રૂ. 77 હજાર રોકડા અને એક નવો આઈફોન આપવાની માંગ કરી હતી. જો માંગ પૂરી ન થાય તો આ ફોટા તેના મિત્રો અને સગા-સંબંધીઓને મોકલવાની ધમકી આપી હતી. આખરે કંટાળીને યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ગુનો નોંધાવ્યો છે, જેના આધારે પોલીસે સાયબર સેલની મદદથી તપાસ હાથ ધરી છે.

 

(12:03 AM IST)