<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

દેશમાં વિવિધ માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામેલા ૨૪ હતભાગીઓના પરિવારજનોને પૂ. મોરારિબાપુની શ્રદ્ધાંજલિ : કુલ રૂ. ૩.૬૦ લાખની આર્થિક સહાય

ભુજ નજીક ખાવડા હાઈવે, રાજસ્થાનના કોટા, સાવરકુંડલા અને જૂનાગઢ જિલ્લાની અકસ્માતની ઘટનાઓમાં જીવ ગુમાવનારા પ્રત્યેક મૃતકના પરિવારને રૂ. ૧૫ હજાર લેખે સહાય અર્પણ : મુંબઈના રામકથા શ્રોતાઓ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રકમ જમા કરાવાઈ : પૂ. મોરારિબાપુએ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી પરિવારોને દિલસોજી પાઠવી

તલગાજરડા: દેશના વિવિધ ભાગોમાં તાજેતરમાં સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતોમાં અવસાન પામેલા દિવંગતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને પૂ. મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે અને તેમના શોકગ્રસ્ત પરિવારજનોને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે. તલગાજરડાથી જયદેવ માંકડ દ્વારા જારી કરાયેલી વિગતો મુજબ, ચાર અલગ-અલગ અકસ્માતની ઘટનાઓમાં મૃત્યુ પામેલા કુલ ૨૪ લોકોના પરિવારોને પ્રત્યેક મૃતક દીઠ રૂ. ૧૫ હજાર લેખે કુલ રૂ. ૩,૬૦,૦૦૦ ની સહાયતા રાશિ મોકલવામાં આવી છે.

ખાવડા હાઈવે અને કોટા અકસ્માતના મૃતકોના પરિવારોને સહાય:
બે દિવસ અગાઉ ભુજ નજીક ખાવડા હાઈવે પર સર્જાયેલા અત્યંત હૃદયદ્રાવક અકસ્માતમાં ઉત્તરાખંડના ૭ લોકોના કરુણ મોત નિપજ્યા હતા, જેમાં આર્મી જવાન અને તેમના પરિવારજનોનો સમાવેશ થતો હતો. પૂ. મોરારિબાપુએ સંવેદના સાથે આ પરિવારોને રૂ. ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે, જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવી છે. આ ઉપરાંત, રાજસ્થાનમાં કોટા નજીક મહારાષ્ટ્રના ધુલિયા ખાતેનો એક પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો, જેમાં ૯ લોકોના મોત થયા હતા. પૂ. મોરારિબાપુએ આ હતભાગી લોકોના પરિવારને પ્રત્યેકને રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ મળીને રૂ. ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે, જે પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવી હતી.

સાવરકુંડલા અને જૂનાગઢની દુર્ઘટનામાં પણ આર્થિક મદદ:
સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા નજીક એક એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૫ લોકોના કરુણ મોત નિપજ્યા હતા, ત્યારે તેમના પરિવારજનોને રૂ. ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. તેવી જ રીતે, જૂનાગઢ જિલ્લામાં સર્જાયેલી અન્ય એક કરુણાંતિકામાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા, જેમાં પૂ. મોરારિબાપુએ પ્રત્યેક મૃતક દીઠ રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂ. મોરારિબાપુએ આ તમામ દિવંગત થયેલા લોકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને ઊંડી દિલસોજી પાઠવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(5:56 PM IST)