તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
વિખ્યાત લોકગાયક ગોપાલ સાધુએ પોતાની દીકરીને સરકારી શાળામાં અપાવ્યો પ્રવેશ : સમાજ સમક્ષ પૂરું પાડ્યું પ્રેરણાદાયી ઉદાહરણ
જે શાળામાં પોતે ભણ્યા હતા તે જ વિરમગામની ખુડદ પે સેન્ટર પ્રાથમિક શાળામાં દીકરી રાજેશ્રીને દાખલ કરી સરકારી શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે અતૂટ વિશ્વાસનો સંદેશ આપ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના અને વિશ્વભરમાં જાણીતા લોકગાયક ગોપાલ સાધુએ પોતાની દીકરીને સરકારી શાળામાં પ્રવેશ અપાવીને સમાજ સમક્ષ એક પ્રેરણાદાયી અને ઐતિહાસિક ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે પ્રવર્તમાન સમયમાં એવી માનસિકતા જોવા મળે છે કે સેલિબ્રિટીઝ અને પ્રતિષ્ઠિત હસ્તીઓ પોતાના બાળકોને મોંઘીદાટ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરે છે. જો કે, આ માન્યતાને તોડીને ખ્યાતનામ લોકડાયરા કલાકાર ગોપાલ સાધુએ પોતાની દીકરી રાજેશ્રીને વિરમગામ તાલુકાની ખુડદ ગામની સરકારી પ્રાથમિક શાળામાં દાખલ કરી છે અને રાજ્યની સરકારી શિક્ષણ વ્યવસ્થા તથા તેની ગુણવત્તા પ્રત્યે પોતાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી વિચારોને અનુસરીને વર્ષોથી શરૂ થયેલા ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ની ૨૪મી શ્રેણીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડનગરની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલથી કરાવ્યો છે. “ભૂલકાંઓને ઉજ્જ્વળ ભવિષ્ય માટે આવકાર, શાળાઓમાં પ્રવેશોત્સવનો હર્ષ અપાર” ના સુત્રને સાકાર કરવાના ભાગરૂપે અત્યારે સમગ્ર રાજ્યભરની શાળાઓમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમો ધૂમધામથી યોજાઈ રહ્યા છે. આ જ કડી અંતર્ગત વિરમગામ તાલુકાની ખુડદ પે સેન્ટર પ્રાથમિક શાળામાં પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લોકગાયક ગોપાલ સાધુ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર મહોત્સવમાં સૌથી ખાસ અને આકર્ષણનું કેન્દ્ર એ બાબત રહી હતી કે, ગોપાલ સાધુએ પોતે જે સરકારી પ્રાથમિક શાળામાં બાળપણમાં અક્ષરજ્ઞાન મેળવ્યું હતું અને અભ્યાસ કર્યો હતો, બરાબર એ જ શાળામાં પોતાની વ્હાલસોયી દીકરી રાજેશ્રીને પ્રવેશ અપાવ્યો હતો. આ ભાવુક અને ગર્વની ક્ષણે તેમણે સરકારી શાળાના શિક્ષકોની કામગીરી, શિક્ષણ સ્તર અને શાળાઓની ગુણવત્તાની મુક્તમને પ્રશંસા કરીને પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. ગોપાલ સાધુના આ પ્રશંસનીય પગલાને કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અન્ય સામાન્ય વાલીઓનો પણ સરકારી શાળાઓ પ્રત્યેનો આદર અને વિશ્વાસ વધુ મજબૂત બનશે તેમજ લોકો પોતાના બાળકોને સરકારી શિક્ષણ તરફ વાળવા પ્રેરિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોતાની દીકરીના પ્રવેશ અંગે હર્ષ વ્યક્ત કરતાં ગોપાલ સાધુએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ એક વિશેષ પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, "આજ રોજ મારા ગામ ખુડદ પ્રાથમિક શાળામાં જ્યાં હું પોતે ભણતર ભણ્યો હતો, ત્યાં જ યોજાયેલા પ્રવેશોત્સવમાં મારી દીકરી રાજેશ્રીને આજે ભણવા માટે મૂકી છે અને શાળાના બધા જ વ્હાલના દરિયા જેવા બાળકો સાથે ઘણો સુંદર સમય વિતાવીને ખૂબ જ આનંદ અનુભવ્યો છે." આ પ્રસંગે શાળા પરિવાર અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા લોકગાયકની આ ઉમદા ભાવનાને બિરદાવવામાં આવી હતી.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
