<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

વડનગરના ઐતિહાસિક વારસાથી પ્રભાવિત થયા પ્રખ્યાત ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ

હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લીધી

મહેસાણા/વડનગર:  વિશ્વપ્રસિદ્ધ પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે આજે મહેસાણા જિલ્લાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગર વડનગરની મુલાકાત લીધી હતી. પોતાની આ મુલાકાત દરમિયાન તેમણે વડનગરના પ્રાચીન સ્થાપત્યો અને ભવ્ય ઇતિહાસને નજીકથી નિહાળ્યો હતો.
દિલજીત દોસાંઝે સૌપ્રથમ વડનગર સ્થિત સુપ્રસિદ્ધ અને પ્રાચીન શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઈ ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના અદભુત કોતરણીકામ અને આધ્યાત્મિક વાતાવરણથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે વડનગર ખાતે નિર્માણ પામેલા અત્યાધુનિક આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મ્યુઝિયમમાં સંગ્રહિત હજારો વર્ષ જૂના પુરાતત્વીય અવશેષો, ઉત્ખનન દરમિયાન મળી આવેલી ઐતિહાસિક ચીજવસ્તુઓ અને વડનગરની જીવંત સંસ્કૃતિની ગાથા રજૂ કરતા વિવિધ વિભાગોનું તેમણે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
વડનગરના આ ભવ્ય સાંસ્કૃતિક વારસા અને પુરાતત્વીય મહત્વની જાણકારી મેળવી દિલજીત દોસાંઝે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર તથા પુરાતત્વ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને વડનગરના ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી

(9:03 PM IST)